(એજન્સી) જયપુર, તા. ૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાનની ઝુંબેશ પર ભાર આપી રહ્યા છે અને વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનની માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રશંસા કરવામાં આવી રહી છે ત્યારે ભાજપના નેતા અને રાજસ્થાનના પ્રધાને ખુલ્લામાં પેશાબ કરીને વડાપ્રધાનની ઝુંબેશના જાહેરમાં ધજાગરા કરી નાખ્યા છે.
રાજસ્થાનનાં મુખ્યપ્રધાન વસુંધરા રાજેનાં પોસ્ટર સામે બેસીને પેશાબ કરતા રાજસ્થાનના પ્રધાન શંભુસિંહ ખેતાસર કેમરામાં કેદ થઇ ગયા છે. સોશિયલ મીડિયામાં હાલમાં રાજસ્થાનના અજમેર શહેરમાં પ્રધાનનો પેશાબ કરતો ફોટો જોરદાર રીતે વાયરલ થઇ રહ્યો છે. ખુલ્લામાં પેશાબ કરવા બદલ લોકોએ પ્રધાનને જોરદાર રીતે ખરી-ખોટી સંભળાવી છે પરંતુ પ્રધાને પોતાની આ હરકતને બિલકુલ યોગ્ય ઠરાવી છે. તેમણે કહ્યું કે આ તો વર્ષોથી ચાલી આવી રહેલી પરંપરા છે. સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરી રહેલા પ્રધાને કહ્યું કે, ખુલ્લામાં પેશાબ કરવાની તો પરંપરા રહી છે. મેં કંઇ ખોટું કર્યું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ખુલ્લામાં પેશાબ કર્યા પછી તેમને પોતાના કૃત્ય પર શરમ અનુભવવાને બદલે તેમણે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે ખુલ્લામાં શૌચ કરવું અને પેશાબ કરવો, એ બંને અલગ-અલગ છે. એટલું જ નહીં તેમણે રાજસ્થાનનાં મુખ્યપ્રધાનના પોસ્ટર પાસે પેશાબ કરવાની વાતનો ઇનકાર કર્યો છે. એટલું જ નહીં, વાયરલ થયેલા વીડિયોમાં શંભુસિંહને વસુંધરા રાજેના પોસ્ટર સામે પેશાબ કરતા બતાવવામાં આવ્યો હોવા છતાં તેમણે કહ્યું કે દીવાલની સામે અને સીએમના પોસ્ટરવાળો ફોટો મારો નથી. સ્વચ્છ ભારત અભિયાનની ઠેકડી ઉડાવવાના પ્રશ્ન અંગે તેમણે કહ્યું કે, તેમણે કંઇ ખોટું કર્યું નથી. કારણ કે કેટલાક સૂમસામ વિસ્તારોમાં ખુલ્લામાં પેશાબ કરવો, અત્યારે પણ મુદ્દો હોવાનું માનવામાં આવતું નથી. કારણ કે ત્યાં આ ઘણા સમય પહેલાથી થાય છે. રાજસ્થાનના પ્રધાનની નફ્ફટાઇ તો એવી છે કે તેમણે ખુલ્લામાં પેશાબ કરવા વિશે એવું પણ કહ્યું કે ‘મેં જ્યાં પેશાબ કર્યો છે, એ વિસ્તાર સંપૂર્ણપણે એકાંતમાં છે. જો કોઇ આ પ્રકારની જગ્યાએ પેશાબ કરે છે તો તેનાથી ગંદગી અને બીમારી ફેલાશે નહીં.’ તેમના જણાવ્યા મુજબ ખુલ્લામાં પેશાબ કરવો, એ તેમની મજબૂરી છે, કારણ કે નજીકમાં ત્યાં કોઇ પણ મૂતરડી નથી. ભાજપની ચૂંટણી રેલી જ્યાં યોજાવાની છે, તેની આસપાસ કોઇ પણ મૂતરડી નથી.