(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
ટ્રિપલ તલાક મુદ્દે મંગળવારે સુપ્રીમ કોર્ટે ઐતહાસિક નિર્ણય સંભળાવ્યો છે જેમાં પાંચ જજોની બંધારણીય પીઠમાંથી ત્રણ જજોએ ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યું છે. ટ્રિપલ તલાકમાં મુસ્લિમ પુરૂષ દ્વારા પત્નીને ત્રણ વખત ‘તલાક’ કહ્યા બાદ તાત્કાલિક રીતે તેમના છૂટાછેડા થઇ જતા હતા. આ ચુકાદો કેન્દ્ર સરકારના સમર્થનમાં આવ્યો છે જેમાં કહેવાયું હતંુ કે, ટ્રિપલ તલાકને કારણે મહિલાઓના મૂળભૂત અધિકારોને ભંગ થઇ રહ્યો છે. કેટલીક મહિલાઓને વોટ્‌સએપ અને સ્કાઇપ દ્વારા ટ્રિપલ તલાક આપી દેવાયા હતા જે બાદ તેઓએ આ પ્રથાનો અંત લાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
ટ્રિપલ તલાક મુદ્દાને સ્પર્શતા ૧૦ મુદ્દાઓ
૧. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ખેહર અને જસ્ટિસ અબ્દુલ નઝીરે ટ્રિપલ તલાકની પ્રથાનું સમર્થન કર્યું હતંુ જ્યારે જસ્ટિસ જોસેફ, આર. એફ. નરિમન અને યુ. યુ. લલિત આ પ્રથા બંધ કરવાના સમર્થનમાં હતા. મોટાભાગનાનું માનવું હતું કે, ટ્રિપલ તલાક ધાર્મિક પ્રથાનો ભાગ નથી અને નૈતિક બંધારણનો ભંગ કરે છે.
૨. નવા કાયદાની તરફેણમાં રહેલા જજોએ સરકાર પાસે માગ કરી હતી કે, ધાર્મિક કાયદામાં હસ્તક્ષેપ કરવાના કોઇપણ પ્રયાસની ટીકા કરનારા કેટલાક મુસ્લિમ સંગઠનોની ચિંતાને ધ્યાનમાં રાખી કાયદો ઘડવામાં આવે. સંગઠનોએ એવી પણ દલીલ કરી હતી કે, તેમની પ્રથાઓનું સંચાલન કરવાનો તેમને બંધારણીય અધિકાર છે.
૩. મુસ્લિમોના પર્સનલ કાયદાની અરજીઓની દેખરેખ રાખતું બિનસરકારી સંગઠન ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપીએલબી)એ ટ્રિપલ તલાક પર કોઇ પણ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે, આ એક ધાર્મિક બાબત છે અને તેમાં કોર્ટે દખલ આપવી જોઇએ નહીં.
૪. સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં લાવવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન જેવા કેટલાક ઇસ્લામિક દેશોમાં ટ્રિપલ તલાકને પરવાનગી અપાતી નથી ત્યારે જજોએ સવાલ કર્યો હતો કે, ભારતમાં તેને કેમ નાબૂદ ન કરી શકાય.
૫. સુપ્રીમ કોર્ટે પ્રથમવાર ચકાસણી કરી હતી કે, શું ટ્રિપલ તલાક ઇસ્લામનો મૂળભૂત અધિકાર છે કે કેમ અને તેથી કાયદેસર બંધનકર્તા છે. સુપ્રીમ કોર્ટના પાંચમાંથી ત્રણ જજોએ સૂચવ્યું હતું કે, ટ્રિપલ તલાક કુર્આનના સિદ્ધાંતોનો ભંગ કરે છે.
૬. ટીકાકારોએ જણાવ્યું હતું કે, આ પ્રથા મહિલાઓને નિરાધાર બનાવે છે અને તેમના મૂળભૂત અધિકારોને લૂંટે છે. કાગળના ટુકડા પર ત્રણ વખત તલાક લખ્યા બાદ પતિએ તરછોડી દીધેલી સાયરાબાનોના વકીલ બાલાજી શ્રીનિવાસને જણાવ્યું હતું કે, અમે કોર્ટને કહ્યું હતું કે, આ પ્રથાનો કાયદા અને કુર્આનમાં કોઇ ઉલ્લેખ નથી.
૭. વિવિધ માન્યતા ધરાવતા પાંચ જજો દ્વારા આ ચુકાદો અપાયો હતો જેમાં હિંદુ, ખ્રિસ્તી, ઇસ્લામ, શીખ અને ઝોરોએસ્ટ્રીએનિઝમના જજો સામેલ હતા. મે મહિનામાં આ અંગેની દલીલો શરૂ થઇ હતી.
૮. ભારતમાં ધાર્મિક સંગઠનોને અત્યારસુધી લગ્ન, છટાછેડા અને મિલકતોમાં ઉત્તરાધિકારી અંગે કાયદા અંતર્ગત સંચાલન કરવાની બાધ્યતા હતી જો કે, દેશના ૧૮૦ મિલિયન મુસ્લિમોના લગ્નના અંત આણવા માટેના ટ્રિપલ તલાકના માર્ગની કાયદેસરતા વિચારણા હેઠળ હતી.
૯. પરંતુ વડાપ્રધાન મોદીની સરકાર ઐતિહાસિક કેસમાં અરજદારોના સમર્થનમાં હતી જેઓ ટ્રિપલ તલાકને ગેરબંધારણીય, માનહાની પહોંચાડનાર અને મહિલાઓના અપમાન ગણાવતા હતા. આ પ્રથા વિરૂદ્ધ મોદી વિવિધ જાહેર સભાઓમાં બોલતા કહ્યું હતું કે, તમામ મહિલાઓને સમાન અધિકાર હોવા જોઇએ.
૧૦. ભાજપ ઘણા સમયથી સમાન નાગરિક ધારાને લાદવાની તરફેણમાં હતું જેમાં વિવિધ સ્થાનિક મુદ્દાઓના ધાર્મિક કાયદાઓથી જુદી જુદી માન્યતાઓમાંથી આઝાદી મળી શકે.