(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યશવંતસિંહાએ કેન્દ્રની ભાજપ સરકારની આર્થિક નીતિની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે, દેશની આર્થિક સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી જાય છે. એક અંગ્રેજી અખબારને આપેલ મુલાકાતમાં યશવંતસિંહાએ કહ્યું કે સરકારના આર્થિક ક્ષેત્રના નિર્ણયો આત્મઘાતી સાબિત થયા છે. તેવા સમયે નાણામંત્રીએ દેશના અર્થતંત્રની જે હાલત કરી છે તે અંગે હું બોલું નહીં તો રાષ્ટ્રીય ફરજ બજાવવામાં નિષ્ફળ ગણાઉ. તેમણે કહ્યું કે ભાજપના અંદરના ઘણા નેતાઓ આ બાબત જાણે છે છતાં બોલતા ડરે છે. નોટબંધી અર્થતંત્ર માટે વિનાશકારી સાબિત થઈ. જીએસટીને ખોટી રીતે લાગુ કરવાથી લાખો લોકો બેકાર થઈ ગયા. અર્થતંત્રમાં પહેલેથી જ પડતી શરૂ થઈ છે. નોટબંધીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. બે દશકમાં ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણ ઓછું થયું છે. ઔદ્યોગિક ઉત્પાદન લગભગ ખતમ થઈ ગયું છે. ખેતી-બાંધકામ ક્ષેત્રની હાલત ઠીક નથી. સર્વિસ સેકટરમાં ધીમો ગ્રોથરેટ છે. નિકાસ ઓછી થવાથી તેની અર્થતંત્ર પર સ્પષ્ટ અસર જોવા મળે છે. જીએસટીના ખોટી રીતે અમલથી ઉદ્યોગ-ધંધા પર ખરાબ અસર પડી. નવી નોકરીઓનો કોઈ મોકો નથી. હાલમાં વિકાસદર પ.૭ ટકા પહોંચ્યો છે. જે ત્રણ વર્ષમાં ઓછો છે. અર્થતંત્રની પડતી માટે નોટબંધી જવાબદાર નથી તેવું સરકારી પ્રવકતા કહે છે તે સાચું છે. પતન તો પહેલેથી જ શરૂ થઈ ગયું હતું. નોટબંધીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે તેમ સિંહાએ કહ્યું હતું. પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે, ર૦૧૪ની ચૂંટણી પહેલાં જ અરૂણ જેટલીને નાણાપ્રધાન બનાવવાનું નક્કી કરાયું હતું. અમૃતસરની બેઠક હારી જતાં જેટલીને મંત્રી બનાવવા જોઈતા ન હતા. ૧૯૯૮માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જસવંતસિંહ અને પ્રમોદ મહાજનને મંત્રી બનાવવાનો ઈન્કાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જેટલીને નાણાપ્રધાન બનાવી ડીસ ઈન્વેસ્ટમેન્ટ, રક્ષા, કોર્પોરેટર જગતની પણ જવાબદારી સોંપી હતી. આ મંત્રાલયોમાં મેં કામ કર્યું છે. ત્યાં કેટલું કામ હોય છે તે હું જાણું છું. બદલાતા સમયમાં ર૪ કલાક કામની જરૂર હોય છે. જેટલી જેવા સુપરમેન તાકાતવાળા પણ આ કામને ન્યાય આપી શકે નહીં. યશવંતસિંહાએ કહ્યું કે, અર્થતંત્રમાં આવેલ પડતી એકદમ આવી નથી. તેને ઉકેલી શકાય છે. તે માટે મુદ્દાની સમજ હોવી જોઈએ. મગજમાં ગેમ-પ્લાન તૈયાર કરવો પડે. આવી સ્થિતિ સર્જાવા પાછળ એક વ્યક્તિ ક્ષમતાથી વધુ જવાબદારીઓનો બોજ ઉઠાવે છે. તેનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ. વડાપ્રધાન મોદીને નાણામંત્રી અને અધિકારીઓ સાથે આ મુદ્દે બેઠક કરી હતી. જેટલીએ તેમને ગ્રોથરેટ વધારવાનો વાયદો કર્યો છે. ભાજપના પ્રમુખ અમિત શાહે આર્થિક વિકાસમાં ગિરાવટને ટેકનિકલ કારણ બતાવ્યું અને તેને ટૂંકમાં સુધારી લેવાની વાત કરી પરંતુ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકે અર્થતંત્રમાં મંદીને ટેકનિકલ કારણ ગણાવ્યું નથી. પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે ર૦૧૭-૧૮ના પ્રથમ ત્રિમાસિક વર્ષમાં જીડીપી દર પ.૭ ટકા રહ્યો જ્યારે ગયા વર્ષે જીડીપી દર ૭.૬ ટકા હતો. તેમણે કહ્યું કે ઈન્કમટેક્ષ, એન્ફોર્સમેન્ટ અને સીબીઆઈ દ્વારા દરોડાની કામગીરી લોકોના મનમાં ડર પેદા કરવાની રમત છે. અમે વિપક્ષમાં હતા ત્યારે રેડરાજનો વિરોધ કરતાં હતા. આજે તે રોજનો ખેલ બની ગયો છે. યશવંતસિંહાએ સરકાર દ્વારા મોટાપાયે ખેડૂતોના દેવા માફીની યોજનાને મજાક ગણાવી કહ્યું કે તેમાં ૧ પૈસાથી માંડી થોડાક રૂપિયા ખેડૂતોને આપી તેમની મશ્કરી કરાઈ છે. બીજી તરફ વડાપ્રધાન મોદી કહે છે કે, તેમણે ગરીબી નજીકથી જોઈ છે. કોંગ્રેસ નેતા પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ્‌ે ટ્‌વીટર પર કહ્યું કે યશવંતસિંહાએ સત્તાનું સત્ય બતાવ્યું. શું હવે સત્તા એ વાતનો સ્વીકાર કરશે કે અર્થતંત્ર ડૂબી રહ્યું છે ? શાશ્વત સત્ય છે. અંતમાં સત્યની જીત થાય છે. સિંહાના આર્ટીકલનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીને ટ્‌વીટ કરી કહ્યું કે, લેડીઝ એન્ડ જેન્ટલમેન્ટ તમારા સહયોગી પૂર્વ નાણામંત્રી જ બોલી રહ્યા છે. તમારો સીટ બેલ્ટ બાંધી દો. આપણા વિમાનના પંખા તૂટી ગયા છે.