(એજન્સી) હૈદરાબાદ, તા.૩૦
મહારાષ્ટ્રની ભીમા-કોરેગાંવ હિંસા માટે તેમના વિરૂદ્ધ કરવામાં આવેલા કેસને ખોટું ગણાવતા ડાબેરી કવિ અને લેખક વરવરા રાવે ગુરૂવારે કહ્યું હતું કે, ફાસીવાદી નીતિઓ સામેની લડતને ષડયંત્ર ન કહી શકાય. પુણે પોલીસ દ્વારા અહીં લાવવામાં આવેલા રાવે એરપોર્ટ પર પત્રકારોને કહ્યું હતું કે આ ખોટો કેસ છે. જો ફાસીવાદી નીતિઓ સામેની લડતને ષડયંત્ર કહેવામાં આવે તો તેના કરતાં વધારે મોટું ષડયંત્ર કોઈ જ નથી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે રાવ સહિત પાંચ મહત્ત્વના માનવઅધિકાર કર્મશીલોની કથિત માઓવાદી સંબંધ બદલ કરવામાં આવેલી ધરપકડ માટે પુણે પોલીસની નિંદા કરી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે તેમને જેલમુક્ત કરી ૬ સપ્ટેમ્બર સુધી નજરકેદ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે રાવે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે નજરકેદ કરવાનો આદેશ આપ્યો છે. જેની રીતે અમે કહી રહ્યા છીએ કે અમારી વિરૂદ્ધ ખોટો કેસ કરવામાં આવ્યો છે. ભીમા-કોરેગાંવ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ કેસ કરવો જોઈએ. રાવની પત્ની હેમલતાએ સત્તાવાર ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યે પોલીસ તેમને ઘરે લાવી હતી. પુત્રીઓ અને જમાઈઓ સિવાય કોઈને પણ તેમની સાથે મળવાની પરવાનગી નથી. પોલીસે તેમને મીડિયા સાથે વાત ન કરવાનો આદેશ આપ્યો છે.