(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૬
રાજ્ય સરકાર એક તરફ ‘બેટી બચાવો-બેટી પઢાવો’નો નારો સાર્વત્રિક કરી તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. ત્યારે જેના માથે બેટી પઢાવવાની જવાબદારી છે તે ગુરૂજન જ તમારે શું ભણવું છે ? ઘરે જઈ ચૂલો ફૂંકો તથા વાસણ ઘસો, તેવા આકરા વેણ કહી શાળામાં બેસવાની બેન્ચીસ ઉપલબ્ધ કરાવવાના બદલે ઘરે જવાનું કહે ત્યારે કિશોર અવસ્થાની બેટીઓની શું દશા થાય ? તેની કલ્પના જ સામાન્યજનને ધ્રૂજાવી જાય છે. હરસોલના તાજનગરમાં રહેતી બે મુસ્લિમ કિશોરીઓ હોંશે-હોંશે ધો.૧૧માં હરસોલની સી.આર.ભગત હાઈસ્કૂલમાૃ આવી હતી. જ્યાં તેઓને વર્ગખંડમાં બેસવા બેેન્ચીસ ન હોઈ તેની જાણ કરવા જતાં શાળાના આચાર્ય તેમજ શિક્ષકે તેઓને હડધૂત કરી ઘરે ચાલ્યા જવાનું કહતાં બંને દીકરીઓ સમસમી ગઈ હતી. ઘરે જઈ માતા-પિતાને વાત કરતાં સમગ્ર મામલો તલોદ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ‘બેટી પઢાવો’ના સરકારના પ્રયાસોમાં અવરોધરૂપ શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરશે.
તલોદ તાલુકાના હરસોલ ગામના તાજનગર ખાતે રહેતી તમન્નાબાનુ જાકીરમિંયા પરમાર તથા તેની જ ફળીમાં રહેતી બિલ્કિસબાનુ સત્તારમિંયા પરમાર ગત તા.ર૮ જૂનના રોજ સવારે તેઓની સ્કૂલ સી.આર.ભગત હાઈસ્કૂલમાં ભણવા ગયા હતા. ત્યારે તેઓના ક્લાસ રૂમમાં બેસવા માટે પાટલી ન હોઈ કલાસ ટીચરને પાટલી મૂકાવવા જણાવ્યું હતું તેમ છતાં પાટલી ના મૂકાવતાં બંને સહાધ્યાયીઓ શાળાના આચાર્યને રજૂઆત કરવા ગઈ હતી. ત્યારે લોબીમાં જ મળેલ આચાર્ય જે.કે.પ્રજાપતિને રજૂઆત કરતા તેઓ તેમજ તેઓની સાથે રહેલ શિક્ષક ડાહ્યાભાઈએ તેઓને કહ્યું હતું કે ‘ભણવું’ હોય તો ભણો, નહીં તો ઊંધા પડો, સાથે જ આચાર્યએ કહ્યું કે તમારે શું ભણવું છે ? ઘરે જઈ ચૂલા ફૂંકો તથા વાસણ ઘસો, જતા રહો અને ફરીથી સ્કૂલ આવશો તો પાછા કાઢીશું, આચાર્યનો આ જવાબ સાંભળી બંને દીકરીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેઓએ ઘરે જઈ માતા-પિતાને વાકેફ કરતાં તેઓ પણ સ્કૂલમાં રજૂઆત માટે આવ્યા હતા. તેઓને પણ એવો જ જવાબ આપી ઘરે ચાલ્યા જવા જણાવ્યું હતું. ત્યારબાદ રાત્રે સ્કૂલના કલાર્કે ‘રાજાપાઠ’માં આવી બકવાસ કર્યો હતો.
આ સમગ્ર બનાવ અંગે તમન્નાબાનુ જાકીરમિંયા પરમારે તા.ર/૭/૧૯ના રોજ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે. જેના પગલે તલોદ પોલીસે આ.પી.સી. ૧૧૪, ૩ર૩, પ્‌૦૪ મુજબ ગુનો નોંધેલ છે. જેની વધુ તપાસ એ.એસ.આઈ. જે.એ. રહેવર ચલાવી રહ્યા છે ત્યારે પોલીસ તેમજ જિલ્લાનું શિક્ષણ તટસ્થ અને નિષ્પક્ષ કાર્યવાહી કરે તેવી લાગણી ભોગ બનનાર વિદ્યાર્થીઓના વાલીઓએ વ્યક્ત કરી છે.