મુખ્યમંત્રી રૂપાણી સાથે બેઠક બાદ આખરે સાંસદને મનાવી લેવાયા !
પોતાની કમર અને ગરદનની તકલીફને કારણે રાજીનામું આપ્યાનું નિવેદન

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૦
ગુજરાતના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ગતરોજ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપી દીધા બાદ આજે નાટકીય રીતે પોતાનું રાજીનામું પરત ખેંચી લેતા રાજકીય અટકળો તેજ બની છે. સાંસદ વસાવાના રાજીનામાને પગલે તેમની પક્ષ સાથે નારાજગીને લઈ તેઓએ આ પગલું લીધું હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી ત્યારે આજે મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત બાદ રાજીનામું પરત ખેંચી લેતા આશ્ચર્ય ઊભું થવા પામ્યું છે. ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ૪૫ મિનિટ સુધી બેઠક કરી હતી. બેઠક બાદ મીડિયાને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ પોતે સાંસદ તરીકે ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મેં કોઈ રાજકીય સોદાબાજી કરી નથી. પાર્ટી પર દબાણ લાવવાનો પણ મેં કોઈ પ્રયાસ કર્યો નથી. મારી કમર અને ગરદનની તકલીફને કારણે મેં રાજીનામું આપ્યું હતું. જોકે, કેન્દ્રીય નેતૃત્વએ મને સાંસદ તરીકે ચાલુ રાખવાની સૂચના આપી છે. આથી હું રાજીનામું પરત ખેંચી રહ્યો છું. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, “છેલ્લા ઘણા સમયથી મને કમર અને ગરદનની તકલીફ છે. આ કારણે હું સંસદમાં પણ જરૂરી હોય એટલી હાજરી આપી શકતો નથી. આ માટે જ મેં રાજીનામું ધરી દીધું હતું. મેં રાજીનામા પત્રમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પાર્ટી સામે મારી કોઈ નારાજગી નથી. મારી શારીરિક તકલીફને કારણે મારા સ્નેહીજનોએ મને આરામ કરવાની સલાહ આપી હતી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે,”કેન્દ્રીય નેતૃત્વ સાથે થયેલી ચર્ચા પ્રમાણે મારા વતી તાલુકા અને જિલ્લાના કાર્યકરો કામ કરતા રહેશે. હાલ ડૉક્ટરે મને ચારથી પાંચ મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે. સીએમ સાથેની બેઠકમાં મને સમજાવવામાં આવ્યું હતું કે જો હું સાંસદ તરીકે ચાલુ રહીશ તો સરકારના ખર્ચે સારવાર ચાલતી રહેશે. પાર્ટીએ મને દિલ્હીમાં સારવાર કરાવવાની પણ સલાહ આપી છે. આથી હું સાંસદ તરીકે ચાલુ રહીશ.” લવ જેહાદ મુદ્દે મળેલી ધમકી વિશે સાંસદ વસાવાએ જણાવ્યું હતું કે, મને લંડન અને બીજી જગ્યાએથી લવ જેહાદ મુદ્દે ધમકીએ મળી છે. આ મામલે મેં પોલીસને જાણ કારી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હું મુસ્લિમોને વિરોધી નથી. મારા મુસ્લિમ મિત્રો પણ એવું માની રહ્યા છે કે લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. કેવડિયાના ઇકો-સેન્સિટિવ ઝોનના મુદ્દે સાંસદ વસાવાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે ઘણા સમયથી ચાલતો હોવાથી મેં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. આ મુદ્દે હાલ કેન્દ્ર સરકાર હસ્તક છે.

 

બાળક જીદ કરે ને રડે તો  લોલીલોપ આપી…! : છોટુભાઈ

ગતરોજ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ પત્ર વિસ્ફોટ કરી પોતે પક્ષમાંથી રાજીનામુ આપ્યાની વાતો વહેતી કરતા ભરૂચ, નર્મદાનું રાજકારણ ગરમાયુ હતું. આદિવાસી વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન સહિતના મુદ્દે નારાજ સાંસદ મનસુખભાઇએ અચાનક જ રાજીનામું ધરી દઈ સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી..!! બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ નાદુરસ્ત તબિયત હોવાના કારણે રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. રાજીનામાનાં ૨૪ કલાક પહેલાં જ આજે સાંસદ મનસુખ વસાવાને ભાજપ મનાવવામાં સફળ રહ્યું હતું અને તેઓએ આજે સવારે પોતે રાજીનામુ પરત ખેંચ્યું હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચવાની જાહેરાત કરતા બીટીપીનાં અધ્યક્ષ છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અપલોડ કરી કટાક્ષ માર્યો હતો અને લખ્યું હતું કે બાળક જીદ કરે ને રડવા બેસે તો લોલીપોપ આપી ચૂપ કરી દેવાય, આમ બંને આદિવાસી નેતાઓ સોશિયલ મીડિયા મારફતે આડકતરી રીતે છવાયેલા છેલ્લા ૨૪ કલાકમાં જોવા મળ્યા હતા..!!