(એજન્સી)
વિજયવાડા, તા. ૧૦
વિજયવાડાઃ અનુભવી બેટ્‌સમન વસીમ જાફર સોમવાર ૧૫૦ રણજી મેચ રમનારો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. ગત બે વર્ષોમાં વિદર્ભને ટાઈટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ૪૧ વર્ષીય જાફરે આંધ્ર પ્રદેશ વિરુદ્ધ ગ્રુપ છની મેચમાં આ સિદ્ધી મેળવી. પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્‌સમેન જાફર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૦ હજાર રનથી માત્ર ૮૫૩ રન પાછળ છે. સૌથી વધુ રણજી ટ્રોફી મેચ રમવામાં જાફર બાદ મધ્યપ્રદેશના દેવેન્દ્ર બુંદેલાનો નંબર આવે છે, જેણે ૧૪૫ મેચ રમી છે. અમોલ મજુમદાર ૧૩૬ મેચ રમી ત્રીજા સ્થાને છે. જાફરે કુલ ૨૫૩ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેના નામે ૧૯૧૪૭ રન છે. તેણે ૫૭ સદી અને ૮૮ અર્ધસદી ફટકારી છે. આંધ્ર વિરુદ્ધની મેચમાં તેને પ્રથમ દિવસે બેટિંગની તક ન મળી. આંધ્રની ટીમના કેપ્ટન હનુમા વિહારીના ૮૩ રન છતાં ટીમ પ્રથમ ઈનિંગમાં ૨૧૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ. વિદર્ભ દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી વિના વિકેટે ૨૬ રન બનાવી લીધા છે. વસીમ જાફરે ભારત માટે ૩૧ ટેસ્ટ રમી છે જેમાં ૫ સદી અને ૧૧ અર્ધસદીની મદદથી ૧૯૪૪ રન બનાવ્યા છે. આમાં તેણે બે બેવડી સદી પણ લગાવી હતી. જોકે, ૨૦૦૮ પછી તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત જાફર બે વન-ડે રમી ચૂક્યો છે જેમાં તે ફક્ત ૧૦ રન બનાવ્યા છે.