નાગપુર, તા.૧૭
નાગપુરમાં ઉત્તરાખંડ સામેની રણજીટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં વિદર્ભના વસીમ જાફરે એશિયન રેકોર્ડ બનાવ્યો છે. ઉત્તરાખંડે પ્રથમ ઈનિંગમાં ૩પપ રન બનાવ્યા તેના જવાબમાં વિદર્ભે પાંચ વિકેટે પ૦૦થી વધુનો સ્કોર બનાવી પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી. આ સ્કોરમાં સંજય રામાસ્વામી (૧૪૧) ઉપરાંત ૪૦ વર્ષીય બેટ્‌સમેન વસીમ જાફરે કમાલ કરી છે. જાફરે ર૯૬ બોલમાં ર૬ ચોગ્ગાની મદદથી ર૦૬ રનની ઈનિંગ રમી. વસીમ જાફર ૪૦થી વધુની ઉંમરમાં બે બેવડી સદી બનાવનારના ફક્ત પ્રથમ ભારતીય પણ એશિયાનો પ્રથમ બેટસમેન પણ છે. સચિન તેન્ડુલકરની સાથે ઘરેલુ અને ઈન્ટરનેશનલ ક્રિકેટ રમનાર આ ખેલાડીને દમદાર પ્રદર્શનના કારણે રણજી ટ્રોફીનો સચિન તેન્ડુલકર પણ કહેવામાં આવે છે. જાફરે ૪૦ વર્ષ અને ૩૩પ દિવસની ઉમરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. તે આ ઉંમરમાં આ સિદ્ધિ મેળવનાર ભારતનો ચોથો મોટી ઉંમરનો ખેલાડી છે. રેકોર્ડ સી.કે. નાયડુના નામે છે. જેમણે ૧૯૪પ-૪૬માં પ૦ વર્ષ અને ૧૪ર દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી હતી. આ ઉપરાંત ડીબી દેવધર (૪૮ વર્ષ ૩૦૬ દિવસ) અને વિજય હજારે (૪૩ વર્ષ ર૦ દિવસ) આ રેકોર્ડ બનાવી ચૂક્યા છે.