(એજન્સી) લખનૌ, તા.૧૬
મદ્રેસા અને રામમંદિર અંગે વિવાદાસ્પદ નિવેદનો કરી જાણીતા બનેલા યુપી શીયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવી ફરી એકવાર મુસ્લિમ મતોના વિભાજન માટેનું કામ કરી ભાજપના હાથમાં રમી રહ્યા છે. વસીમ રિઝવીએ સોમવારે એક નવા રાજકીય પક્ષની જાહેરાત કરી હતી. ભારતીય શીયા અવામી લીગ (આઈએસએએલ) નામના નવા પક્ષનો લોગો પણ બનાવી દીધો છે. રિઝવીએ નવા પક્ષના પ્રમુખ તરીકે પોતાના નામની જાહેરાત કરી બે નવા ઉપપ્રમુખો અને ૧૩ બીજા પક્ષની કારોબારીના સભ્યોની નિમણૂક કરી છે. તેમના કહેવા મુજબ પક્ષ ૧૬ રાજ્યોમાં કામ કરશે જેમાં યુપી, બિહાર, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, ઉત્તરાખંડ, બંગાળ, પંજાબ, હરિયાણા, કર્ણાટક, ઝારખંડ, તેલંગાણા, ગોવા, રાજસ્થાન સામેલ છે. રિઝવીને ટાંકીને ટાઈમ્સે કહ્યું છે કે, પક્ષની સ્થાપનાનો હેતુ પછાત કોમોને ખાસ કરીને શીયા કોમને આગળ લાવવા તેમના વિકાસની ખાત્રી માટે કરાવવાનો છે. શીયા કોમ એકદમ પછાત મુસ્લિમ કોમ છે. જેને સરકારની વિવિધ યોજનાઓના લાભથી વંચિત કરી દેવાઈ છે. જે એક કાવતરાના ભાગરૂપે છે. આ વાતથી હું જાગૃત થઈ આગામી સરકારમાં તેમને સામાજિક અને રાજકીય રીતે સશક્ત બનાવવાનો હેતુ છે. અત્રે એ વાતને યાદ કરાવવાની કે રિઝવીએ અગાઉ મદ્રેસાઓને ત્રાસવાદીઓના ઉત્પાદન કેન્દ્રો બતાવ્યા હતા અને અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે બાબરી મસ્જિદને વિવાદીત સ્થળેથી ખસેડી લઈ લખનૌ લઈ જવી જોઈએ.