Ahmedabad

વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા વેપારી પર જીવલેણ હુમલો

અમદાવાદ,તા. ૪
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં મહાદેવનગર ખાતે કેટલાક અસામાજિક તત્વોએ એક વેપારીના ઘરમાં ઘૂસી તેની પત્ની અને નાના બાળકોની હાજરીમાં અમાનવીય રીતે લાકડી અને પાઇપ વડે હુમલો કરી આંતક મચાવતાં સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. જો કે, આ હુમલા વખતે બે નાના બાળકો સાથે હોવાછતાં વેપારીની પત્નીએ પણ બહાદુરી દાખવી એલ્યુમિનિયમની ફ્રેમ હાથમાં લઇ હુમલાખોરોનો મુકાબલો કરતી બહાદુરી બતાવી હતી. આખરે હુમલાખોરો દુકાનમાં ભાગી ગયા હતા. હુમલાના ધ્રુજાવી દેતાં દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં રામોલ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલા પાછળ બે દુકાનદારો વચ્ચે પાર્કિંગ અને ગેરકાયદે બાંધકામને લઇ છેલ્લા ઘણા સમયથી ચાલતી તકરારનું કારણ સામે આવ્યું હતું. જેમાં જવેલર્સના માલિકે જેની સાથે તકરાર હતી તે એલ્યુમિનિયમ સેકશન અને ગ્લાસની દુકાન ધરાવતા વેપારીને ભાડુતી માણસો વડે હુમલો કરાવી ભોગ બનાવ્યો હતો. આ બનાવ અંગે વસ્ત્રાલના મહાદેવનગર ખાતે રહેતા નરેન્દ્રભાઇ મિસ્ત્રીએ જવેલર્સનો શોરૂમ ધરાવતાં દર્શન શાહ તથા અન્યો સામે ફરિયાદ નોંધાવી છે કે, મહાદેવનગરમાં રામેશ્વર કોમ્પલેક્ષમાં તેમની અને તેમના નાનાભાઇ રામજીભાઇની એલ્યુમિનિયમ સેકશન અને ગ્લાસની દુકાન આવેલી છે, તેની પર આરોપી દર્શન શાહનો પાર્શ્વ જવેલર્સ નામનો શોરૂમ આવેલો છે. દુકાનના પાર્કિંગ અને બાંધકામને લઇ બંને પક્ષ વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી. દરમ્યાન શનિવારે બપોરે રામજી તેમની દુકાને આવ્યા ત્યારે ત્રણથી ચાર અજાણ્યા શખ્સો લાકડીઓ અને પાઇપો લઇ દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને અચાનક જ કંઇ સમજયા વિચાર્યા વિના જ સીધો રામજી પર હુમલો કરી દીધો હતો. રામજીભાઇને લાકડીઓ અને પાઇપો વડે આ શખ્સો ફરી વળ્યા હતા. આ હુમલા વખતે ત્યાં હાજર તેમની પત્ની અને અન્ય બે નાના બાળકો ગભરાઇ ગયા હતા. પત્નીએ સમયસૂચકતા વાપરી દોઢ વર્ષના ભોંખડીયે ચાલતા બાળકને તો બચાવી લીધું હતું અને બંને બાળકોને ખૂણામાં મૂકી દીધા હતા. ત્યાં સુધી હુમલાખોરોએ હુમલો ચાલુ રાખતાં છેવટે આ મહિલાએ દુકાનમાં પડેલી એલ્યુમિનિયમની ફ્રેમ ઉઠાવી હુમલાખોરોને પડકાર્યા હતા અને તેમને પણ ફટકારવાનું શરૂ કર્યું હતું. એટલામાં રામજી ઉભા થઇ દુકાનની બહાર નીકળી જતાં હુમલાખોરો પણ દુકાનની બહાર નીકળી પછી ભાગી ગયા હતા. જો કે, આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. બીજીબાજુ, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. રામોલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.