(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે અને ભાજપના પ્રમુખ અમિત શાહ વચ્ચેના મતભેદોને કારણે ભાજપના રાજસ્થાન એકમના નવા પ્રમુખની નિયુક્તિમાં એક મહિનાથી પણ વધુ સમયનો વિલંબ થયો છે અને આ બાબતથી ભાજપના બંને નેતા વાકેફ છે. ચાલુ વર્ષના અંતે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં બે લોકસભા અને એક વિધાનસભા સીટની યોજાયેલી પેટાચૂંટણીઓમાં પરાજય થયા બાદ ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરવા માટે સક્રિય થતાં વસુંધરા રાજેને વફાદાર અશોક પ્રણામીએ ૧૮મી એપ્રિલે રાજસ્થાન ભાજપના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. નામ જાહેર નહીં કરવાની શરતે ભાજપના એક નેતાએ જણાવ્યું કે અમિતશાહ કેન્દ્રીય પ્રધાન અને જોધપુરના સાંસદ ગજેન્દ્ર શેખાવતને રાજસ્થાન ભાજપના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવા માંગતા હતા પરંતુ વસુંધરા રાજે તરફથી તેમને સમર્થન ન મળ્યું. અશોક પ્રણામીના સ્થાને કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલને નિયુક્ત કરવાની દરખાસ્તનો પણ વસુંધરા રાજેએ વિરોધ કર્યો હતો. મુખ્યપ્રધાનને એવું લાગે છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે તેમની છાવણીના નથી એવી વ્યક્તિને રાજસ્થાન ભાજપના પ્રમુખ બનાવવામાં આવશે તો તેમને મુશ્કેલીઓ પડી શકે છે.
રાજસ્થાન ભાજપના અન્ય એક નેતાએ જણાવ્યું કે, રાજે રાજ્યમાં તેમના વફાદાર શ્રીચંદ કૃપલાનીને રાજ્ય ભાજપના પ્રમુખ બનાવવા માંગે છે. શ્રીચંદ રાજ્ય સરકારમાં પ્રધાન પણ છે. શ્રીચંદ રાજ્ય એકમને કન્ટ્રોલ કરવામાં તેમને મદદ પણ કરશે. જો કે, ભાજપની કેન્દ્રીય નેતાગીરી તરફથી શ્રીચંદના નામને બહુ સમર્થન મળ્યું નથી. નામ જાહેર નહીં કરવાની શરતે આ નેતાએ પણ જણાવ્યું કે અવિનાશ રાય ખન્નાને રાજસ્થાન ભાજપના ઇન્ચાર્જ બનાવવાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. અમિત શાહ પણ ટૂંક સમયમાં રાજસ્થાનના પ્રવાસે આવવાના છે.