અમદાવાદ, તા.૧૧
પેટ્રોલ-ડીઝલના રોકેટ ગતિએ આકાશને આંબી રહેલા ભાવોને કાબૂમાં કરવા રાજ્ય સરકાર ટેક્ષ ઘટાડી પ્રજાને રાહત આપવા માગતી નથી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત રાજ્યો કરતા ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્ષ સૌથી ઓછો એટલે કે ર૦ ટકા જ છે.
હાલ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ભડકે બળી રહ્યા છે. આ ભાવો ઘટાડવા કોંગ્રેસ દ્વારા ગઈકાલે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં કોણ અમારૂં શું બગાડી લેવાનું છે તેવા મદમાં રાચતી સરકારે તે જ દિવસે ભાવોમાં વધારો કરી સંકેત આપી દીધા હતા કે જેને જે કરવું હોય તે કરે ભાવો નહીં જ ઘટે. દરમિયાન પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવોને પગલે દાઝી રહેલી પ્રજાને વધુ ડામ આપતા હોય તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આપણે ઘણા સમય પહેલાં પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડ્યો છે. ઉપરાંત સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં જ પેટ્રોલ-ડીઝલ પર ર૦ ટકા ટેક્સ છે જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં રપથી ૩૦ ટકા ટેક્ષ છે. આથી ગુજરાતમાં વેટમાં ઘટાડો થવાની સંભાવના ખૂબ ઓછી છે. આમ નાયબ મુખ્યમંત્રીએ હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ઘટાડો નહીં થાય તેવો સંકેત આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલ પરના વેટની આવક રાજ્ય સરકાર માટે દુઝણી ગાય જેવી છે. દર વર્ષે સરેરાશ ૧ર હજાર કરોડથી વધુ આવક માત્ર પેટ્રોલ-ડીઝલના વેટ દ્વારા જ મેળવાય છે. આથી જ લાળ ટપકતી આકવ જોઈ તમામ ચીજવસ્તુઓ જીએસટીમાં સમાવી લીધી પરંતુ પેટ્રોલ-ડીઝલને તેમાંથી બાકાત રાખ્યા હતા.

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો કયા શહેરમાં કેટલો ભાવ ?

અમદાવાદ ઃ પેટ્રોલ રૂ.૮૦.૦૯, ડીઝલ રૂ.૭૯.૩૯
વડોદરા ઃ પેટ્રોલ રૂ.૭૯.૮૦, ડીઝલ રૂ.૭૮.૦૯
સુરત ઃ પેટ્રોલ રૂ.૮૦.૦૧, ડીઝલ રૂ.૭૮.૩૩
રાજકોટ ઃ પેટ્રોલ રૂ.૭૯.૮૮, ડીઝલ રૂ.૭૮.૧૯
બનાસકાંઠા ઃ પેટ્રોલ રૂ.૮૦.૪૬, ડીઝલ રૂ.૭૮.૫૩
દાહોદ ઃ પેટ્રોલ રૂ.૮૦.૯૫, ડીઝલ રૂ.૭૯.૦૯
ભાવનગર ઃ પેટ્રોલ રૂ.૮૦.૧૧, ડીઝલ રૂ.૭૯.૪૦
પાટણ ઃ પેટ્રોલ રૂ.૮૧.૧૧, ડીઝલ રૂ.૭૯.૪૦
અરવલ્લી ઃ પેટ્રોલ રૂ.૮૦.૭૨, ડીઝલ રૂ.૭૯.૦૧
પંચમહાલ ઃ પેટ્રોલ રૂ.૮૦.૪૨, ડીઝલ રૂ.૭૮.૭૨
બોટાદ ઃ પેટ્રોલ રૂ.૮૦.૫૪, ડીઝલ રૂ.૭૮.૮૦
તાપી ઃ પેટ્રોલ રૂ.૮૦.૧૮, ડીઝલ ૭૮.૪૭
જુનાગઢ ઃ પેટ્રોલ રૂ.૮૦.૧૬, ડીઝલ રૂ.૭૮.૪૬
ગીર-સોમનાથ ઃ પેટ્રોલ રૂ.૮૦.૮૬, ડીઝલ રૂ.૭૯.૧૩
જામનગર ઃ પેટ્રોલ રૂ.૭૯.૫૯, ડીઝલ રૂ.૭૭.૮૬