વાગરા, તા.૩૦
વાગરા તાલુકામાંથી IOCL કંપની દ્ધારા બીજી વખત પાઇપ લાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.વળતર મામલે અને ખેતર માં ગેરકાયદે પ્રવેશ મુદ્દે ખેડૂતોનો પારો આસમાને પહોંચ્યો છે.કેશવાણ ગામે IOCL ના અધિકારીએ ખેડૂતોને દબડાવતા વાતાવરણ ઉગ્ર બની ગયુ હતુ.
વાગરા તાલુકાના ૧૩ ગામના સીમ વિસ્તારમાંથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. એ ૧૪ વર્ષ પહેલાં પાઇપ લાઇન નાંખી મોટા ભાગના ખેડૂતોને જમીન વળતર ચૂકવ્યુ ન હતુ.હવે પુનઃ આજ ખેતરોમાંથી બીજી પાઇપ લાઇન નાંખવાની કામગીરી આરંભતા ખેડૂતો એ વળતર ચૂકવ્યા વિના કોઈ જ કામ નહીં થવા દેવાની કસમ ખાધી હોય તેમ પાઇપ લાઇન નાંખતી એજન્સીની કામગીરી ને અટકાવી દીધી હતી.અને વાગરા પોલીસ મથકે ચાર ખેડૂતોએ ગેરકાયદે પ્રવેશ કરવા સામે ઘા નાંખી હતી.આ સમગ્ર મામલો ભરૂચ કલેકટર સુધી પહોંચ્યો હતો.પણ હજુ કોઈજ સુખદ અંત નહિ આવતા થોડા દિવસ અગાઉ વાગરાના કેશવાણ ગામની પંચાયતમાં IOCL ના અધિકારીઓ ખેડૂતો સાથે વાર્તાલાપ કરવા ગયા હતા. પરંતુ ઉપસ્થિત અધિકારીએ ખેડૂતોને રીતસરની દમદાટી આપવાનું શરૂ કરતા ખેડૂતો ડઘાઈ ગયા હતા.અધિકારીએ કહ્યુ કે લાઇન તો જશે જ અને કોઈ પોલીસ વાળો મારી સામે પગલાં નહિ લઈ શકે.હું કલેકટર તરીકે તમને કહું છું.તમને કોઈ પોલીસ ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી……!!! ખેડૂતોએ ચુકવણી મામલે અને ખેતરના પંચકયાસ ના કાગળો માંગતા અધિકારીએ રેકોર્ડ મળતો નથી શોધીને લાવીશું નું રટણ કર્યું હતુ.એક બાજુ IOCL કર્મી ખેડૂતોને ધમકાવે છે અને બીજી બાજુ પોલીસ ફરિયાદ કરવા જતા નહીં આપણે બેસીને વાત કરીશુ.એમ બેવડા માપદંડ રાખી વાત કરતા જગતનો તાત અસમંજસમાં મુકાઈ ગયો હતો.અને ખેડૂતોએ કહ્યુ હતુ કે જમીન અમારી છે કોઈના બાપની નથી.તમે મિલિટરી બોલાવી લાઇન નંખાવજો.જો જબરજસ્તી કરી લાઇન નાંખશો તો અમે બે ખેડૂતો પોલીસ સ્ટેશનની સામે અગનપીછોડી ઓઢી લઈશું ની ચીમકી ઉચ્ચારતા જ કેશવાણ ગ્રામ પંચાયતમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો હતો.
જો હજુ પણ IOCLના અધિકારીઓ ખેડૂતોના વળતર મામલે ઉચિત ઘટતી કાર્યવાહી હાથ નહિ ધરે તો આવનારા દિવસોમાં નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.સમગ્ર મામલે ખેડૂતોની પડખે ઉભેલ ભારતીય કિસાન સંઘ આમોદ અને વાગરા તાલુકાના ખેડૂતોને રૂબરૂ મળી આગામી રણનીતિ નક્કી કરશેનું જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજે જણાવ્યુ હતુ.
૧૪ વર્ષ થી ન ચૂકવેલ વળતર ૧૮ ટકા વ્યાજ સાથે ચૂકવોઃ દિપકસિંહ રાજ, ખેડૂત અગ્રણી
વાગરા અને આમોદ તાલુકાના ૨૬ ગામોમાંથી IOCL ની બીજી લાઇન નાંખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.પ્રથમ લાઇન ૧૪ વર્ષ પહેલા નાંખવામાં આવી હતી.જેમાં વાગરા તાલુકાના ૧૩ ગામના મોટાભાગના ખેડૂતોને જમીન વળતર મળ્યુ નથી.જે સામે વહિયાલના ખેડૂત અગ્રણી દિપકસિંહ રાજે કેશવણ ગામની પંચાયતમાં ઉપસ્થિત અધિકારીને ૧૮ ટકા વ્યાજ સાથે જમીન વળતર ચૂકવવા રાવ નાંખી હતી.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ખેડૂતો કોઈના દાબ દબાણમાં આવવાના નથી.અને પોતાનો હક લઈનેજ જંપશે.
કેશવાણ ગામે IOCLના અધિકારીએ ખેડૂતોને દબડાવતાં વાતાવરણ તંગ બન્યું

Recent Comments