(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૮
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમા આવેલા વટવા વિસ્તારની જીઆઈડીસી ફેઝ-૨ની એક બંધ ફેકટરીમા આજે બપોરના સુમારે અચાનક ગેસ ગળતરને પગલે ત્યાં હાજર એવા આઠ જેટલા કામદારો બેભાન થવા પામ્યા હતા આ ઘટનાને પગલે તમામને મણિનગર ખાતે આવેલી એલ.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા જે દરમિયાન પાંચ કામદારોના મોત થવા પામ્યા છે જ્યારે ચારની હાલત ગંભીર છે.આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના પૂર્વ વિસ્તારમા આવેલી વટવા જીઆઈડીસી ફેઝ-૨મા એડવાન્સ ડાય સ્ટફ નામની ફેકટરી આવેલી છે આ ફેકટરીમા આવેલા એફલ્યુઅન્ટ પ્લાન્ટ પાસે બપોરના સુમારે આઠેક જેટલા કામદારો ઉભા હતા તે સમયે અચાનક કેમીકલ ભરેલા પ્લાન્ટમાંથી ગેસ ગળતર થતા એક કામદાર બેભાન થઈ પ્લાન્ટમા પડતા અન્ય કામદારો દ્વારા તેને બહાર કાઢવાનો પ્રયાસ કરવામા આવતા બીજા કામદારો પણ પ્લાન્ટમા પડતા તેઓ પણ બેહોશ થવા પામ્યા હતા. બીજી તરફ ફેકટરીમા બનેલી આ ઘટનાને પગલે ફાયરબ્રિગેડને જાણ કરવામા આવી હતી ફાયરની ટીમ બચાવ કામગીરી માટે પહોંચે એ પહેલા જ બેભાન હાલતમા તમામ આઠ જેટલા કામદારોને સારવાર માટે મણિનગરમા આવેલી એલ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ચાર કામદારોના મોત થવા પામ્યા હતા જ્યારે ચારની હાલત ગંભીર હોવાનુ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા જાણવા મળ્યુ છે. આ ઘટનાને પગલે અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે તેમજ એલ જી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. બીજી તરફ આ ઘટના અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરનો સંપર્ક કરવામા આવતા તેમણે કહ્યુ કે,ફેકટરીના કોમન એફલ્યુઅન્ટ પ્લાન્ટમા રાખવામા આવેલા કેમીકલમાંથી નીકળેલા ઝેરી ગેસને કારણે આ ઘટના બનવા પામી છે. બીજી તરફ આ ઘટનાને પગલે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટાફ સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જ્યા ફેકટરી માલિક તેમજ કોન્ટ્રાકટરની બેદરકારી મામલે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામા આવી હતી. એલ.જી.હોસ્પિટલના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર,જે સમયે આ તમામ કામદારોને હોસ્પિટલ લાવવામા આવ્યા તે સમયે તેમના શરીર કેમીકલના કારણે વાદળી રંગના થઈ જવા પામ્યા હતા.જે ચાર કામદારોને હાલ સારવાર આપવામા આવી રહી છે તેમની હાલત પણ નાજુક છે. વટવા વિસ્તારમા બનેલી આ દુર્ઘટનામા ફેકટરી માલિક સહિત કોન્ટ્રાકટરની પણ ગુનાહિત બેદરકારી સામે આવવા પામી છે. આ દુર્ઘટના મામલે એડીશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનો સંપર્ક કરવામા આવતા તેમનુ કહેવુ છે કે,પ્રાથમિક તપાસમા ફેકટરી માલિક અને કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે. ફેકટરી પાંચ દિવસથી બંધ હતી.
મોતને ભેટેલા કામદારો
શૈલેન્દ્ર દીવાકર (ઉ.વ.રપ), બંટી દીવાકર (ઉ.વ.ર૮), ભરત દીવાકર (ઉ.વ.રપ), પુરન દીવાકર (ઉ.વ.૩૮), માવજી ઠાકોર (ઉ.વ.૪૦), ગંભીર હાલતના કામદારો, ભોલુ, જીતકુમાર, કરણસિંહ