તંત્રનો આદેશ હોવા છતાં અધિકારીઓ સાથે તત્વોની સાંઠગાંઠને લીધે ગેરકાયદે બાંધકામ દૂર કરાતું ન હોવાનો કબ્રસ્તાનના ટ્રસ્ટીઓનો આક્ષેપ

અમદાવાદ,તા.૭

વટવામાં મુસ્લિમ સમાજના કબ્રસ્તાન ઉપર ભૂમાફિયાઓએ કરેલા બાંધકામને દૂર કરવા માટે તંત્રનો આદેશ હોવા છતાં જવાબદાર અધિકારીઓએ કામગીરી શરૂ ન કરતા કબ્રસ્તાનના ટ્રસ્ટીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

ફરિયાદી મુનીર હુસેન રાઠોડ, ટ્રસ્ટના પ્રમુખ સિરાજુદ્દીન પિંજારા, ટ્રસ્ટી નન્નુમીયા શેખ, ,મો.ઈલ્યાસ સૈયદ, હુસેનમીયા શેખ સહિતના સભ્યોએ જણાવ્યું હતું કે, વટવામાં રેવન્યુ સર્વે નંબર ૧૦૮૩ની સરકારી જમીન ઉપર ૫૦૦ વર્ષ જૂનું મુસ્લિમ કબ્રસ્તાન આવેલું છે. પરંતુ કેટલાક ભૂમાફિયાઓએ કબ્રસ્તાનની જમીન પચાવી પાડવાના આશયે તેના ઉપર અગાઉ ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જે અંગે ફરિયાદ કરતા તત્કાલિન કલેક્ટરે ગેરકાયદે બાંધકામ દૂર કરાવ્યું હતું. ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી આ જ કબ્રસ્તાનમાં ફરી બાંધકામ કરાતા કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હતી. જેથી ફરિયાદ અંગે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટના પૂર્વ વિભાગે ગત મહિને બાંધકામ દૂર કરવા માટે ઓર્ડર કર્યો હતો. પરંતુ સિટી સર્વે વિભાગમાં સુપ્રીટેન્ડન્ટ-૩નો કોઈ અધિકારી પાસે ચાર્જ ન હોવાથી ગેરકાયદે બાંધકામને દૂર કરવા નોટિસ કાઢવામાં આવી નથી. તેમજ સંબંધિત અધિકારી દ્વારા પણ કોઈ પગલાં ન લેવાતા કબ્રસ્તાનના ટ્રસ્ટીઓમાં રોષની લાગણી પ્રવર્તિ છે.

જો કે, કબ્રસ્તાનમાં કબરો તોડી જગ્યા ખુલ્લી કરીને કેટલાક તત્વો ગેરકાયદે બાંધકામની કામગીરીને વેગવતી બનાવી રહ્યા છે. જેના લીધે મુસ્લિમ સમાજમાં પણ ભભૂકી ઉઠ્યો છે. અત્રે નોંધનીય છે કે, ગેરકાયદે બાંધકામ દૂર કરવાના આદેશનું પાલન નહીં કરવા પાછળ કેટલાક ચોક્કસ તત્વો સાથે અધિકારીઓની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ પણ ટ્રસ્ટીઓએ કર્યો છે. તેથી કબ્રસ્તાનની જમીન  ઉપર ગેરકાયદે બાંધકામ વધે તે પહેલા જ તેને દૂર કરવા ફરીથી જિલ્લા કલેક્ટરને કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ રજૂઆત કરશે.