અમદાવાદ, તા.ર૩
વટવાના વાંદરવાટ તળાવ પાસે આવેલ બીબી ફિરદૌશ (રહે.)ના મઝારનું પુનઃ નિર્માણનું કાર્ય કરી રહેલા તેમના વારસદારોને રોકી તંત્રના અધિકારીઓ અને પોલીસ તંત્રના સાથ સહકારથી ગેરકાયદે રીતે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સામે વારસદારોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવતા હાઈકોર્ટે જવાબદારોને નોટિસ પાઠવી તા.ર૮/૮/ર૦૧૭ સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવાનો હુકમ કર્યો છે.
અત્રે નોંધનીય છે કે બીબી ફિરદૌશ (રહે.)ના વારસદારોએ રાજ્યના ચીફ તકેદારી આયુક્તને પત્ર પાઠવી ગેરકાયદે તોડફોડ તથા કાયદાકીય રીતે નોટિસ આપ્યા વિના પ્રવેશ કરવા બદલ જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં ભરવા માગ કરી છે. વટવાના સામાજિક આગેવાન સૈયદ ઈફ્તેખાર હુસેન મખદુમઅલીએ ગુજરાત તકેદારી આયોગના ચીફ આયુક્ત એચ.કે.દાસને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, વટવા વાંદરવાટ તળાવ ખાતે ૫૦૦ વર્ષ જૂની હઝરત બીબી ફિરદૌશ (રહે.)નો મઝાર છે. જેઓ હઝરત કુત્બેઆલમ (રહે.)ના દીકરી છે. આ મઝારની દેખરેખ તેમના વારસદારો કરે છે. આ મઝાર પર મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૦૨ના કોમી તોફાનો દરમિયાન કટ્ટરવાદી તત્ત્વોએ આ મઝારમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું ત્યારથી મઝાર આ જ હાલતમાં હતી. જેનું તેમના વારસદારો પુનઃનિર્માણનું કામ હાથ ધરી રહ્યા હતા જે કટ્ટરવાદી તત્ત્વોથી સહન ન થતાં સરકારી તંત્રનો દુરૂપયોગ કરી મઝારને તોડી પાડવાની તજવીજ હાથ ધરી છે. ગત તા.૨ ઓગસ્ટના રોજ અને તા.૩ ઓગસ્ટના રોજ નારોલ, વટવા મામલતદાર ટી.કે. પરમાર તેમજ તેમની ટીમ, એસપી વી.એમ.જાડેજા, વટવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.સી.ઝાલા, પીએસઆઈ બી.જી.વસાવા, એ.બી.ભટ્ટ, પીએસઆઈ આર.જે.ઠુમ્મર, કે.એસ.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો તથા દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનરના તાબા હેઠળના એસ્ટેટ ટીડીઓ નારણ, આસિ. ટીડીઓ ભીખા પટેલ, જય ધંધુકિયા તથા ૪૦ જેટલા કર્મચારીઓ બીબી ફિરદૌશની દરગાહ ઉપર ધસી આવ્યા હતા અને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના દરગાહની મિલકતમાં પ્રવેશ કર્યો હતો.
અને લોકોની લાખ વિનંતી છતાં મઝારમાં તોડફોડ શરૂ કરી બે પિલ્લરો તોડી પાડ્યા હતા. આ અંગેનો વિગતવાર અહેવાલ તા.૮ ઓગસ્ટના ગુજરાત ટુડેમાં પણ પ્રસિદ્ધ થયો હતો ત્યારબાદ બીબી ફિરદૌશ (રહે.)ના વારસદારોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
આથી હાઈકોર્ટે રાજ્યના શહેરી વિકાસ સચિવ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન, અમદાવાદ કલેક્ટર, વટવાના તલાટી કમ મંત્રી, નારોલ વટવાના મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર તથા વટવા પોલીસ ચોકીના પીએસઆઈ વગેરેને નોટિસ પાઠવી ર૮ ઓગસ્ટ સુધી દરગાહની યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો છે.