(એજન્સી) એડન, તા. ૪
મેકુનુ વાવાઝોડાને કારણે યમનના સોકોટ્રા ટાપુ પર ફસાયેલા ૩૮ ભારતીયોને ભારતીય નૌકાદળ દ્વારા બચાવી લેવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. ૨૪મી મે ના રોજ ભયંકર મેકુનુ વાવાઝોડું સોકોટ્રા ટાપુ પર ત્રાટક્યું હતું અને ઓછામાં ઓછા બે ભારતીયો અને યમનના પાંચ નાગરિકો માર્યા ગયા હતા તેમજ ભારતીય નાવિકો અટવાઇ ગયા હતા. ભારતીય નેવીએ જણાવ્યું કે, ડીજી શિપિંગ અને ધ ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિએશન તરફથી વિપત્તિમાં સહાય માટે મળેલા કોલના જવાબમાં હાલમાં એડનની ખાડીમાં તૈનાત ભારતીય નવલશિપ સુનૈનાને સોકોટ્રા ટાપુ પર અટવાયેલા ૩૮ ભારતીયોને બચાવી લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેકુનુ વાવાઝોડા ત્રાટકતા સોકોટ્રા ટાપુ પર અને તેની આસપાસના ટાપુઓ પર ભારે વિનાશ વેરાયો હતો. સોકોટ્રા ખાતે ત્રણ ભારતીય વહાણને પણ નુકસાન થયું હતું અને બંદર ખાતે વહાણ ડૂબી ગયા હતા. એમએસવી સફીના અલ-ખિજર વહાણ હજીપણ લાપતા છે. સફીના અલ-ખિજરમાં ૧૨ ભારતીયો હતા.
ભારતીય નેવીએ જણાવ્યું કે, લાપતા ભારતીયોને શોધવા માટે ૨૭ અને ૨૮મી મે ના રોજ ભારતીય નૌકાદળે શોધખોળ હાથ ધરી હતી. સોકોટ્રા ટાપુના કાંઠે રવિવારે સવારે ઓપરેશન કોડનેમ ‘નિસ્ટાર’ હાથ ધરવામાં આવ્યું હતું. ટાપુ ખાતેથી બચાવી લેવામાં આવેલા ભારતીયોને આઇએનએસ સુનૈનામાં તાકીદે તબીબી સારવાર આપવામાં આવી હતી. તેમને ખાવા-પીવા અને પોતાના પરિવારોને ફોન કરવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. બધા ૩૮ ભારતીયો સુરક્ષિત છે. વહાણ હવે પોરબંદર જવા માટે રવાના થઇ ગયું છે.