અમદાવાદ, તા.૧
ગુજરાત પોલીસ માત્ર નાગરિકોના જાન-માલની જ સુરક્ષા કરે છે એવું નથી, ગુજરાત પોલીસ પર્યાવરણની સુરક્ષાની ચિંતા પણ કરે છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં વન મહોત્સવની ઉજવણી થઇ રહી છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ રાજ્યભરમાં વન મહોત્સવની ઉજવણી કરાશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના સરસપુર ગામે રૂદ્રમાતા ડેમ સાઇટ ખાતે રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી સંપન્ન થઇ છે. ત્યારે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનીને રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પણ રાજ્ય કક્ષાનો વન મહોત્સવ પોલીસ હેડ ક્વાર્ટર – ગોમતીપુર, અમદાવાદ ખાતે યોજાશે ત્યારબાદ સમયાંતરે રાજ્યભરની પોલીસ વિભાગની કચેરીઓ, હેડક્વાટર્સ ખાતે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા રાજ્યભરમાં જે વન મહોત્સવની ઉજવણી થશે તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, કરાઇ પોલીસ અકાદમી, એસ.આર.પી. ટ્રેઇનીંગ સેન્ટર ચોકી, પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા અને જૂનાગઢ ઉપરાંત ખલાલ કમાન્ડો યુનીટ અને ૩૪ જિલ્લા પોલીસ વડાની કચેરીઓ ઉપરાંત પશ્ચિમ રેલ્વેના અમદાવાદ અને વડોદરા ખાતેની પોલીસ વડાની કચેરીઓ તથા ૯ રેન્જ આઇ.જી.કચેરીઓ સહિત રાજ્યમાં આવેલા ૨૧ રાજ્ય અનામત પોલીસ દળના હેડ ક્વાર્ટર્સ તથા રાજ્યના પોલીસ સ્ટેશનો – ૬૪૮, આઉટ પોસ્ટ – ૬૦૮, પોલીસ ચોકી- ૬૪૧ વગેરે જગ્યાએ મળી ૧,૯૦૦થી પણ વધુ સ્થળોએ વિશાળ માત્રામાં રોપાઓનું વાવેતર કરવામાં આવશે. રાજ્યભરમાં પોલીસ સંકુલોમાં વૃક્ષારોપણનો આ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત પોલીસ દ્વારા યોજાનાર વન મહોત્સવના આ કાર્યક્રમ વધુ ને વધુ રોપાઓ રોપવાનો લક્ષ્યાંક રખાયો છે. રાજ્યના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સોમવાર અને શુ્‌ક્રવારના રોજ યોજાતી પરેડ દરમ્યાન શ્રમદાન થકી આ કાર્યક્રમો યોજાશે. તેમજ દરિયાકાંઠા વિસ્તાર, સરહદી વિસ્તાર સહિત તમામ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને રોપાઓની પસંદગી કરવામાં આવી છે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં સી.આઇ.ડી. (ક્રાઇમ-રેલ્વે), સી.આઇ.ડી. (ઇન્ટેલીજન્સ), લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, જેલ વિભાગ, ગૃહ રક્ષક દળ, એસ.આર.પી. ગૃપ, જિલ્લા પોલીસ અધિક્ષકો, નાગરિક સંરક્ષણ વિભાગના વડાઓ તથા તેમના હસ્તકની તમામ કચેરીઓ ખાતે પણ વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કરાશે. તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.