નવી દિલ્હી, તા.૩૦
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં પ્રદૂષણના કારણે વર્ષ ૨૦૧૬માં ૧,૧૦,૦૦૦ બાળકોનાં મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, આ બાળકોના મૃત્યુનો સંબંધ ભારતની સતત ઝેરીલી બનતી હવા સાથે છે. આટલું જ નહીં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુના કિસ્સામાં ભારતે સમગ્ર વિશ્વને પાછળ છોડ્યું છે. વાસ્તવમાં, આ બાળકોના મૃત્યુનું કારણ પી.એમ. ૨.૫ છે જે વાયુ પ્રદૂષણના કારણે ઝડપથી વધી રહ્યું છે. ડબલ્યૂએચઓના અહેવાલ મુજબ. દુનિયાના સૌથી પ્રદૂષિત વીસ શહેરોમાં ભારતના ૧૪ શહેરોનો સમાવેશ થાય છે. ભારત દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ છે. ભારતમાં દર વર્ષે વીસ લાખથી વધારે લોકો પ્રદૂષિત હવાને કારણે જીવ ગુમાવે છે. ભારતના સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હી પ્રથમ સ્થાને, કાનપુર બીજા સ્થાને અને ગુરૂગ્રામ ત્રીજા સ્થાને છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જારી કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું કે, ભારત સહિત નીચલા અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૯૮ ટકા બાળકો વર્ષ ૨૦૧૬માં અતિસુક્ષ્મ કણો (પીએમ) દ્વારા ઉત્પન્ન થયેલા વાયુ પ્રદૂષણનો શિકાર બન્યા હતા. ડબલ્યુએચઓએ પોતાના આ રિપોર્ટ ’વાયુ પ્રદુષણ અને બાળ આરોગ્ય-સ્વચ્છ હવાનો નુસ્ખો’માં પ્રકાશિત કર્યો હતો. તેમાં જણાવાયું છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૬૦,૯૮૭ બાળકો પી.એમ ૨.૫ના કારણે મૃત્યુ પામ્યા છે. આ વિશ્વમાં સૌથી વધુ છે. ત્યાં બીજા નંબર પર નાઇજીરિયા છે જ્યાં ૪૭૬૭૪ બાળકોના મૃત્યુ થયા છે. તો પાકિસ્તાનમાં ૨૧,૧૩૬ બાળકો પ્રદૂષણનો શિકાર બન્યા છે. આ ઉંમરમાં મૃત્યુ દર ૧ લાખ બાળકો પર ૫૦.૮ છે. મૃત બાળકોમાં છોકરીઓની સંખ્યા છોકરાઓથી વધુ છે. વર્ષ ૨૦૧૬માં ૩૨,૮૮૯ છોકરીઓના મોત થયા હતા. તમામ વયના બાળકોની વાત કરીએ તો આ વર્ષે વાયુ પ્રદૂષણના કારણ એક લાખ બાળકોના મોત થયા છે. રિપોર્ટ મુજબ, રસોઈથી ઘરની અંદર ઉત્પન્ન થતું વાયુ પ્રદૂષણ અને ઘર બહારના વાયુ પ્રદૂષણથી વિશ્વભરમાં ભારત જેવા ઓછા અને મધ્યમ વર્ગના દેશોમાં બાળકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન થાય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે લગભગ ૨૦ લાખ લોકોની મૃત્યુ પ્રદૂષણના કારણે થઇ છે, જે સમગ્ર દુનિયાનું ૨૫ ટકા છે. વિશ્વભરમાં નીચલા અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ડબલ્યુએચઓ ગુણવત્તા સામાન્ય સ્તરથી ઉપરના સ્તર પર પી.એમ ૨.૫થી પ્રભાવિત થઇ રહ્યા છે. તો બીજી તરફ વધુ આવકવાળા દેશોમાં ૫૨ ટકા બાળકો ડબલ્યુએચઓ વાયુ ગુણવત્તા સામાન્ય સ્તરથી ઉપરના સ્તર પર પીએમ ૨.૫થી પ્રભાવિત થાય છે. વૈશ્વિક સ્તરે, દુનિયાભરના ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૯૮ ટકા બાળકો ડબલ્યુએચઓ વાયુ ગુણવત્તાના સ્તરથી ઉપરના સ્તરે ઘરમાંથી બહાર પીએમ ૨.૫થી રૂબરૂ થઈ રહ્યા છે. તેમાં પાંચ વર્ષની ઉંમરનાં ૬૩ કરોડ બાળકો અને ૧૫ વર્ષથી ઓછી ઉંમરના ૧.૮ અબજ બાળકો છે. પી.એમ ૨.૫ સ્વાસ્થ્ય માટે પી.એમ ૧૯થી વધુ જોખમી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે અઠવાડિયા દરમિયાન પી.એમ. ૨.૫ જોખમી સ્તર પર છે. સોમવારે દિલ્હીના આકાશ પર ધુમ્મસનું મોટું સ્તર હતું જ્યારે સમગ્ર હવા ગુણવત્તા એક્યુઆઈ ૩૪૮ પર પહોંચ્યું હતું. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ હવા ગુણવત્તા’ બહુ ખરાબ’ની કેટેગરીમાં હતી.