“વાયુ” વાવાઝોડાની અસર : દરિયો તોફાની બનતા ઊંચા મોજાઓ ઉછળ્યા

“વાયુ” વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં આવેલો દરિયો ગાંડોતૂર બન્યો છે. માંગરોળનો દરિયો પણ ગાંડોતૂર બની મોજા મહત્તમ સપાટીએ ઉછળતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. ગોદીમાંથી પાણી બહાર આવી જતા કાંઠાળ વિસ્તારના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. વેલજીભાઈ મસાણી જણાવે છે કે, આવી ભરતી કે મોજા મેં પપ વર્ષમાં કયારેય જોયા નથી.

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૨
ગુજરાતના દરિયાકાંઠા પર “વાયુ” વાવાઝોડાની આફત વધુ વિકટ રૂપ ધારણ કરી રહી છે. આ વાવાઝોડું ૧પપથી ૧૬પ કિ.મી.ની ઝડપે પોરબંદર, દીવ, વેરાવળ સહિતના દરિયકાંઠા વિસ્તારમાં આવતીકાલે સવારથી બપોર સુધીમાં ત્રાટકે તેવી શક્યતા પ્રબળ રીતે દર્શાવાઈ રહી છે. ગુજરાતને માથે વાવાઝોડા વાયુનું સંકટ ઘેરૂં બનતું જઈ રહ્યું હોઈ સમગ્ર સરકારી તંત્ર ખડેપગે છે અને કાંઠાના વિસ્તારોમાંથી ૧૦૦ ટકા સ્થળાંતરની સૂચના જારી કરાતા લાખો લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી જારી રહી છે. જેમાં સાંજ સુધીમાં બે લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું. આ સાથે કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારના હવાઈમથકો, દરિયાઈ કાંઠાની રેલવે તથા બસ સેવા તેમજ બંદરગાહો પર પણ ટ્રાન્સપોર્ટેશન વગેરે બધુ સ્થગિત કરી દેવાયું છે. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા આર્મીની ૧૦ ટુકડી કાંઠા વિસ્તારમાં તૈનાત કરવા સાથે ર૪ ટુકડી સ્ટેન્ડ ટુ તૈયાર રાખવામાં આવી છે. આર્મી ઉપરાંત એનડીઆરએફ તથા નૌકાસેના વગેરે રાખવામાં આવેલ છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં “વાયુ” વાવાઝોડાને લઈને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે, આજે સાંજેથી જ વાવાઝોડાની અસર કાંઠાના વિસ્તારોમાં શરૂ થઈ જવા પામી હતી. વાવાઝોડાને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે તો દરિયાના મોજા ૧૦થી ૧પ ફૂટ જેટલા ઉછળી રહેલા દરિયો તોફાની બની રહ્યા હોય તેવા ભયાવહ દૃશ્યો જોવા મળી રહ્યા છે. “વાયુ” વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ૪૦૮ ગામોના ૬૦ લાખથી વધુ લોકોને અસર કરે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. જો કે, વાવાઝોડાની ગતિ થોડી મંદ પડતા આજે મધ્યરાત્રીથી વહેલી સવારે વાવાઝોડું ત્રાટકવાનું હતું, તે હવે આવતીકાલે સવારથી બપોર સુધીમાં ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરાય છે. આ સાથે વાવાઝોડાની દિશા પલટાઈ હોવાની વિગતો પણ મળી રહી છે. વાવાઝોડું હવે વેરાવળને બદલે પોરબંદર તરફ ફટાયું હોવાનું જણાવાઈ રહ્યું છે. અરબી દરિયાથી ગુજરાતની તરફ પ્રચંડ ચક્રવાત વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ તેજી સાથે વધી રહ્યું છે. તેની અસર પણ દેખાવવા લાગી ગઈ છે. આવતીકાલે બપોર સુધી પ્રચંડ તીવ્રતા સાથે વાયુ વાવાઝોડુ ત્રાટકશે. ગુજરાત સરકાર અને ગુજરાત વહીવટીતંત્ર કુદરતી હોનારતમાં કોઇ નુકસાન ન થાય તેને લઇને સંપૂર્ણપણે સજ્જ છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ચક્રવાતી તોફાન આવતીકાલે સવારથી લઇને બપોર સુધીના ગાળામાં પોરબંદર અને કચ્છ, વેરાવળના બદલે પોરબંદરના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર, કચ્છના નિચાણવાળા વિસ્તારોમાંથી ત્રણ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી ચુક્યા છે. ૧૦ જિલ્લા જે તોફાનથી સૌથી વધુ પ્રભાવિત થનાર છે તેમાં કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાંથી લોકોને ૧૦૦ ટકા ખસેડવાની કામગીરી ચાલી રહી છે. લોકોને સરકારી ઇમારતોમાં ખેસડવામાં આવ્યા છે. સમગ્ર તંત્ર એલર્ટ ઉપર છે. એનડીઆરએફની ટુકડીઓ પહેલાથી જ પહોંચી ચુકી છે. સેનાએ ગુજરાતના દરિયાકાંઠામાં ૧૦ ટુકડીઓ તૈનાત કરી છે. દરેક ટુકડીમાં ૭૦થી વધુ જવાનો છે. સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૦ જિલ્લાઓમાં ૪૦૮ ગામોમાં રહેતા ૬૦ લાખથી વધુ લોકોને અસર થવાની શક્યતા છે. ભારે ચિંતા અને દહેશત વચ્ચે વાયુ વાવાઝોડાની દિશા બદલાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા આજે સાંજે અધિકારીક રીતે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે દરિયાકાંઠાના અસરગ્રસ્ત ૧૦ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી. મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે ૧૪ જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ વાવાઝોડા સંદર્ભે તેમના સંબંધિત વિભાગોની કામગીરીનું મોનિટરીંગ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં બપોર સુધીમાં ૧,૨૩,૫૫૦થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. જે માટે રાજ્યભરમાં ૧,૨૧૬ જેટલાં આશ્રયસ્થાનો ઉભા કર્યા છે. રાત્રી સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાશે. ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. રાજ્યના દરિયાકાંઠાના જામનગર, દેવભૂમિ-દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ અને રાજકોટ જિલ્લાને વાયુ વાવાઝોડાની અસર થવાની છે. અત્યાર સુધીમાં ૪૭ જેટલી એનડીઆરએફની ટીમો ફાળવી દેવાઇ છે. જે ૧૦ અસરગ્રસ્ત જિલ્લાઓમાં તહેનાત કરી દેવાઇ છે. આ જ રીતે એસડીઆરએફની ૧૧ ટીમો અને મરિન પોલીસ પણ સ્ટેન્ડ ટૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત આર્મીની ૩૪ ટીમો પણ ગુજરાતમાં આ પરિસ્થિતને પહોંચી વળવા ખડેપગે તૈનાત છે. વાવાઝોડાને લઇ અનેક સુરક્ષા અને બચાવ ટીમો હાઇએલર્ટ અને સ્ટેન્ડ ટુ રખાઇ છે.

ત્રણેય સેનાઓને પણ એલર્ટ કરી દેવાઈ છે

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૨
ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર વિનાશક વાયુ વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ૧૦ જિલ્લા જે તોફાનથી પ્રભાવિત થનાર છે તેમાં કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથનો સમાવેશ થાય છે. ૬૦ લાખથી વધુ લોકોને એકંદરે અસર થવાની શક્યતા દેખાઈ રહી છે. ત્રણેય સેનાઓને એલર્ટ કરાઈ છે જેમાં ભૂમિ સેના, નૌકા સેના અને હવાઈ દળનો સમાવેશ થાય છે. દરિયાકાંઠાના સુરક્ષા જવાનોને પણ એલર્ટ કરાયા છે.