અમરેલી, તા.ર૩
ગુજરાતના ભાજપના સત્તાધિશો વિકાસશીલ સલામત ગુજરાત અને વાઈબ્રન્ટ ગુજરાતના બણગા ફુંકી રહ્યા છે ત્યારે પશુ અને કુતરાની જેમ મોતે મરતા શોષિત, પીડિત, દલિતો આ વિકાસશીલ ગુજરાતમાં સલામત નથી રહ્યા અન્યાય, અત્યાચાર અને સમસ્યાથી પીડાતો રહેલો દલિત સમાજ, છેવાડાના પછાત સમાજ આ વિકાસશીલ ગુજરાતમાં સલામત નથી. ગુજરાતમાં બની રહેલી દલિત દમનની બદબુ હવે તો આંતર રાષ્ટ્રીય સ્તરે પહોંચી છે ત્યારે ગુજરાતના સ્થાપના દિનના મે મહિનામાં જ છથી વધારે દલિતોની હત્યા, હુમલો, બળાત્કારના કિસ્સાઓ નજરે પડ્યા છે. એમ દલિત કાર્યકર સંજયભાઈ કાતરિયાએ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દલિત દમનની વાસ્તવિકતા સામે આવતા વાયબ્રન્ટ ગુજરાતનું વિકાસશીલ મોડલ સાવ નિષ્ફળ ગયું છે.
સમગ્ર ગુજરાતના દલિતો ઉપર થતા અત્યાચાર બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-અમરેલી જિલ્લા યુનિટ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરાશે. આ તમામ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી દલિતોને સરકાર પોતાના સ્વરક્ષણ માટે બંદુકનું લાયસન્સ આપે. જો દિન-પ્રતિદિન આવી ઘટના બનશે તો દલિતો ના છુટકે ધર્મ પરિવર્તનનો માર્ગ અપનાવશે એવું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા મીડિયા સેલના કન્વીનર સંજયભાઈ કાતરિયાએ એક યાદીમાં જણાવેલ છે.