ભાવનગર, તા.૫
ભાવનગર શહેર જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન ધીમે-ધીમે વેગ પકડી રહ્યું છે. સણોસરા ગામે હાર્દિકના હાથે જ પારણાની જીદ સાથે વિદ્યાર્થી ભૌતિક કાત્રોડિયાએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. તેવી જ રીતે મહુવાના નીચાકોટડા ગામે આજે તા.પથી મેથાળા બંધારા વિકાસ સમિતિ અને જિલ્લા ખેડૂત સમાજના આગેવાનો દ્વારા ખેડૂતોની દેવા માફી અને હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ આંદોલનનો પ્રારંભ થયો છે. તા.૬ને ગુરૂવારે પ્રતિક ઉપવાસ કરાશે. આ તબક્કે ખેડૂત સમાજના પ્રમુખ ભરતસિંહ વાળા સહિતના આ પ્રતિક ઉપવાસમાં જોડાશે. તેમજ ભાવનગર નજીકના ઉમરાળા તાલુકા પાટીદારો પણ મેદાનમાં ઉતર્યા છે. પાસની કમિટીએ ઉમરાળા મામલતદારને આવેદનપત્ર પાઠવી તા.પને બુધવારથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે. જો જાહેર સ્થળોએ મંજૂરી નહીં અપાય તો પાટીદાર સમાજની માધવાનંદ વાડીમાં ઉપવાસ કરાશે તેમ જણાવ્યું છે. તે જ રીતે જેસર તાલુકા પાટીદાર ઉપવાસ આંદોલન સમિતિ દ્વારા બીલા, ઉગવાડા, કોટામોઈ, શાંતિનગર, ભમોદ્રા, ધોબા, ઠવી, વિવડીના પાટીદારો ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. જ્યારે શિહોર તાલુકામાં ચાલી રહેલા હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસી છાવણીની કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનહરભાઈ પટેલ અને અતુલભાઈ પટેલ ઉપવાસી છાવણીની મુલાકાત લીધા બાદ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ટાણા ગામ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના યુવાનો પણ પ્રતિક ઉપવાસમાં જોડાઈને પાટીદાર આંદોલનની લડાઈને સમર્થન આપ્યું હતું. મોટાસુરકા ગામે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપવાસ ઉપર બેસવા લાગ્યા છે અને આંદોલને વેગ પકડ્યું છે.