સુરત,તા.૧૭
વેસુ શ્રમ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય તરૂણીને નોકરી આપવાની લાલચ આપી વેપારીએ કારમાં લઈ રસ્તામાં એક ખેતરમાં તરૂણીની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ બૂમાબૂમ કરતા વેપારી ગભરાઈ જતા તેને ઘરે ઉતારી દીધી હતી. સગીરાએ વેપારીની હરકતો પરિવારને જણાવી હતી. રોષ ભરાયેલા પરિવારજનોએ વેપારીને ફોન કરીને બોલાવી મહિલાઓએ બરાબરની ઘોલાઈ કર્યા બાદ પોલીસને હવાલે કરી દીધો હતો.શરૂઆતમાં તરૂણીએ ફરિયાદ આપવાની ના પાડી સમાધાન કરવાની તૈયારી કરી બતાવી હતી, જો કે બાદમાં મોડીરાત્રે પોલીસ ફરિયાદ કરવા તૈયાર થઈ હતી.
ખટોદરા પોલીસે છેડતીનો ગુનો નોંધી ૩૦ વર્ષીય વેપારી તરંગ પટેલની ધરપકડ કરી હતી. જયારે વેપારીને માર મારતા પોલીસે એનસી પણ લીધી હતી. છેડતી કરનાર વેપારી તરંગ પટેલ રેડીમેઈડ કપડાનો વેપાર કરે છે અને તે ન્યુ સિટીલાઈટ રોડની આશીર્વાદ સોસાયટીમાં રહે છે. વધુમાં ભોગ બનનારની માતા વેપારીને ત્યાં ઘરકામ કરે છે, જેથી એકબીજાને ઓળખતા હતા. વેપારીએ ભોગ બનનારની પુત્રની નોકરી આપવાની લાલચ આપી શુકવારે સવારે વેસુ સોમેશ્વરા એકન્લેવ પાસે બોલાવી હતી. જયાથી વેપારી તરૂણીને કારમાં લઈ જઈ એક ખેતરમાં લઈ ગયો હતો. ખેતરમાં વેપારીએ તરૂણી સાથે અડપલા કર્યા હોવાનો આક્ષેપ લગાડયો હતો. વેપારી પરિણીત છે. જયારે વેપારીએ પોલીસ સમક્ષ છેડતીનો ઈનકાર કર્યો હતો અને પૈસાને કારણે ફસાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું