(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૬
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે અને અનેક પરિવારો વ્યાજના વિષચક્રમાં હોમાઈ રહ્યા છે. ત્યારે જોરાવરનગર પોલીસ મથકે પાંચ જેટલાં વ્યાજખોરો દ્વારા વ્યાજની કડક ઉઘરાણી કરી માનસીક ત્રાસ આપતાં ફરિયાદીએ કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જે અંગે ભોગ બનનારે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રતનપર વિસ્તારમાં આવેલ નરોતમ ચેમ્બર્સમાં રહેતા મનીષભાઈ કાનજીભાઈ કાલિયા આરટીઓ એજન્ટનું કામ કરતા હતા, તે દરમ્યાન સ્પીડ ગવર્નરના ધંધામાં ખોટ જતાં પાંચ જેટલાં શખ્સો પાસેથી અલગ-અલગ રકમ અલગ-અલગ વ્યાજના દરે લીધી હતી.
આ તમામ શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા બાદ ફરિયાદી છેલ્લાં બે મહિનાથી વ્યાજ ચૂકવી ન શકતાં ફરિયાદી મનીષભાઈને માનસીક ત્રાસ આપી કડક ઉઘરાણી કરતા હતા જેના અવાર-નવાર ત્રાસથી કંટાળી મનીષભાઈએ કપાસમાં છાંટવાની દવા પી જતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે ભોગ બનનારે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ મહિલા પીએસઆઈ એચ.એમ.રબારી ચલાવી રહ્યા છે.