અમદાવાદ, તા.૨૩
એસીબીએ રૂપિયા ૩૦ હજારની લાંચ કેસમાં કુષ્ણનગરના પીએસઆઈ એન પી મારૂ સહિત બે વ્યકિતઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. સમગ્ર કેસમાં વેપારીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પીએસઆઈ હાલ ફરાર છે, એસીબીએ પીએસઆઈ અને વેપારીના નિવાસસ્થાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એસીબીની ટ્રેપમાં કુષ્ણનગરના પીએસઆઈ એન પી મારૂનુ નામ સામે આવતા ફરી એક વખત પોલીસની છબી ખરડાઈ છે. પોલીસે કેસમાં સામેલ આરોપી વેપારી જીજ્ઞેશ ડોડીયાની ધરપકડ કરી છે, જે ફેબ્રિકેશનનો ધંધો કરે છે અને પીએસઆઈ એન પી મારૂનો ખાસ મિત્ર પણ છે. કુષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસની નોંધાયેલી ફરિયાદની તપાસ પીએસઆઈ એન પી મારૂ કરી રહયા હતા. આ કેસમા આરોપીની ધરપકડ કરી. પંરતુ લાંચીયા પીએસઆઈએ આરોપીને નહિ મારવા અને ઝડપથી રજૂ કરવા માટે રૂપિયા ૩૦ હજારની લાંચ માંગી હતી. ફરિયાદીનો પુત્ર આ કેસનો આરોપી હતો. પોલીસનું દબાણ વધતા જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો તો લાંચીયા અધિકારીનો ભાંડો ફુટયો. એસીબીની ટીમે પીએસઆઈ એન પી મારૂ લાંચ માંગી રહયા હોવાની માહિતી મળતા તેમણે ફરિયાદીને ઠક્કરબાપા નગર લાંચ લેવા માટે પીએસઆઈને બોલાવીને ટ્રેપ ગોઠવી પરંતુ પીએસઆઈએ પોતાના મિત્ર એવા જીજ્ઞેશને લાંચ લેવા મોકલ્યા અને એસીબીની ટ્રેપમા રંગે હાથે ઝડપાઈ ગયા.