અમદાવાદ,તા. ૬
અમદાવાદ શહેરમાં મોર્નીંગ વોકમાં નીકળતા પુરૂષો હવે ચેઇન સ્નેચરો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે. શહેરમાં દિન પ્રતિદિન પુરૂષોના ગળામાંથી સોનાની ચેઇન તોડાવાની ઘટનાઓ વધી રહી છે. શહેરના દૂરદર્શન વિસ્તારમાં સાંઇબાબાના મંદિર પાસે વેપારીના ગળામાંથી ચેઇન સ્નેચરો પાંચ તોલાની સોનાની ચેઇન તોડી પલાયન થઇ ગયા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, આ બનાવ બન્યો તે સ્થળ વસ્ત્રાપુર પોલીસમથકથી ૧૦૦ મીટરના અંતરમાં જ આવ્યું હોવા છતાં બેખોફ ચેઇન સ્નેચરોએ ચેઇન સ્નેચીંગના ગુનાને અંજામ આપ્યો. આ બનાવની વિગત એવી છે કે, થલતેજ ગામમાં આવેલા મોટા ઠાકોર વાસમાં રહેતા અને થલતેજમાં જ ઓફિસ ધરાવતાં વેપારી મહેશભાઇ ઠાકોર આજે વહેલી સવારે દૂરદર્શન ચાર રસ્તા પાસે આવેલા સાંઇબાબાના મંદિર ખાતે દર્શન કરવા નીકળ્યા હતા. દર્શન કર્યા બાદ સામે આવેલા ચબૂતરામાં કબૂતરોને દાણા નાંખવા ગયા હતા અને ત્યાંથી ઘેર પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન જ અચાનક જ બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો મહેશભાઇના ગળામાંથી પાંચ તોલાની સોનાની રૂ.૭૫૦૦૦ની કિંમતની સોનાની ચેઇન તોડી ફુલસ્પીડમાં પલાયન થઇ ગયા હતા. મહેશભાઇએ તરત જ બાજુમાં જ આવેલા વસ્ત્રાપુર પોલીસમથકમાં બનાવ અંગે જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમની ફરિયાદ નોંધી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ શહેરના શાહીબાગ વિસ્તારમાં પણ સવારે મોર્નીંગ વોકમાં નીકળેલા વેપારીના ગળામાંથી આ જ પ્રકારે પાંચ તોલાની સોનાની ચેઇન તોડી ચેઇન સ્નેચરો રફુચક્કર થઇ ગયા હતા. આમ, શહેરમાં વિવિધ વિસ્તારોમાં હવે ચેઇન સ્નેચરો મહિલાઓની સાથે સાથે પુરૂષોને પણ ચેઇન સ્નેચીંગ માટે સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે. પુરૂષોના ગળામાંથી મહિલાઓની સરખામણીએ વધુ વજનદાર અને મોંઘી સોનાની ચેઇન હોવાથી તેઓ પુરૂષોને ટાર્ગેટ કરી રહ્યા હોવાની વાત પણ સામે આવી છે.
Recent Comments