(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૬
શહેરના વરાછા ખાતે રહેતા દોરા બનાવવાના વેપારીએ વ્યાજખોરના ત્રાસથી જંતુનાશક દવા પી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પણ વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નાના વરાછા તુલસી શ્યામ સોસાયટીમાં રહેતાં દોરા વેપારી જાદવ દેવરાજભાઈ વિરાણીએ વ્યાજખોર દાનુભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ આરોપી પાસેથી બે વર્ષ પહેલા ૧૦ ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા. એક વર્ષ સુધી ફરિયાદીએ વ્યાજ ચૂકવ્યુ હોવા છતાં આરોપીએ રૂપિયાની માંગણી કરી ત્રાસ ગુજારતા તા.૨૬-૯-૨૦૧૮ના રોજ ફરિયાદીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં રૂપિયાની ઉઘરાણી કરી આરોપીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે.