પાટણ, તા.ર૬
પાટણ શહેરના જાહેરમાર્ગોની બંને તરફ આવેલ ફૂટપાથો પર ઊભા રહેતા લારી-ગલ્લાવાળાઓના દબાણો નગરપાલિકાતંત્ર દ્વારા દૂર કરવામાં આવતા આજે નાના વેપારીઓ તંત્ર સામે લાલઘુમ બન્યા હતા. ચૂંટણી બાદ પાલિકાતંત્રએ દબાણનો દંડો ઉગામતા આજે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. નગરપાલિકાની આ કામગીરીને લઈ રોષે ભરાયેલા નાના વેપારીઓએ નગરપાલિકા ખાતે ભારે હલ્લાબોલ મચાવ્યો હતો અને લારી-ગલ્લાવાળાઓને મુખ્ય બજારમાં ઊભા રહેવા દેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
પાટણ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લાવાળાઓના દબાણોને દૂર કરવા માટે નગરપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં એક ઠરાવ કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ ઊભા રહેતા લારી-ગલ્લાવાળાઓના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરી માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા હતા. પાલિકાતંત્ર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી હાથ ધરવામાં આવેલ દબાણની આ કામગીરીને લઈ મુખ્યમાર્ગો ઉપર ટ્રાફિકની નહીવત સમસ્યા જોવા મળતી હતી. તો બીજી તરફ પાલિકાતંત્ર દ્વારા શહેરના રેલવે સ્ટેશન તેમજ ગૌરવપથ પર ઊભા રહેતા શાકભાજીવાળા અને પાથરણાવાળા વેપારીઓ માટે ખાડિયામાં વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી હતી. જો કે, ચૂૂંટણી સમયે નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવા માટે નરમાશભર્યું વલણ અપનાવતા ખાડિયા વિસ્તારમાં ઊભા રહેતા શાકાભાજીની લારીઓવાળા રેલવે સ્ટેશનની ફૂટપાથ પર ફરીથી અડિગો જમાવી ટ્રાફિકને અડચણરૂપ થતા આજે નગરપાલિકા દ્વારા આ દબાણો હટાવવા માટે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. જેને લઈ શાકાભાજીની લારીઓવાળા તેમજ પાથરણાવાળા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પાલિકાની આ કામગીરીને લઈ પાલિકાના વિપક્ષના નેતાની આગેવાની હેઠળ શાકાભાજીની લારીઓવાળા તેમજ અન્ય નાના વેપારીઓએ નગરપાલિકા ખાતે આવી ભારે હલ્લાબોલ મચાવ્યો હતો અને રોજીંદી રોજીરોટી રળતા વેપારીઓએ લારી-ગલ્લા ઊભા રહેવા દેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. ત્યારે વેપારીઓની આ રજૂઆતને લઈ પાલિકા પ્રમુખે શહેરના બગવાડા ચોકથી રેલવે સ્ટેશનને જોડતા ગૌરવ પથ પર દબાણ ન કરવા મક્કમ વલણ અપનાવ્યું હતું અને પાલિકાની આગામી બોર્ડની સભામાં વેપારીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપી હતી.
પાટણ નગરપાલિકા ખાતે રોષ ભરાયેલા નાના વેપારીઓ દ્વારા હલ્લાબોલ

Recent Comments