(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૧,
શહેરના મંગળબજારમાં પથારા અને લારીઓનાં દબાણો દુર કરી પાલિકા દ્વારા રેલીંગ લગાવવાની કરેલી શરૂઆતનાં વિરોધમાં આજે વેપારીઓએ વેપાર-ધંધા બંધ રાખીને રોડ પર બેસી જઇ પાલિકા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો. આ પહેલા વેપારીઓએ મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. પાલિકા દ્વારા રેલીંગ લગાવવાનું બંધ કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદ્દત સુધી મંગળબજાર બંધ રાખવાની ચીમકી વેપારીઓએ ઉચ્ચારી હતી.
મહાનગર પાલિકા દ્વારા મંગળબજારમાં ગેરકાયદે પથારા અને લારીઓ દુર કરવા માટે છેલ્લાં એક અઠવાડિયાથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ પાલિકાની ટીમ રવાના થતાની સાથે જ બજારમાં યથાવત સ્થિતિ થઇ જાય છે. આ પથારાને લારીઓનાં દબાણો કાયમી ધોરણે દુર કરવા માટે પાલિકા દ્વારા રેલીંગ નાખવાની શરૂઆત કરવામાં આવી રહી છે. જેનો વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે. આજે બજારનાં વેપારીઓએ મ્યુનિ. કમિશ્નરને આવેદન પત્ર આપી બજારમાં રેલીંગ ના લગાવવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મંગળબજારનાં વેપારી ધર્મેશભાઇએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા રેલીંગ લગાવવા સામે અમારો સખત વિરોધ છે. હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. રેલીંગ લગાવવાથી અમારા ધંધા ઉપર અસર પડશે. આ ઉપરાંત આગ જેવી દુર્ઘટના સર્જાશે તો મોટી હોનારત થવાની શકયતા છે.