(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
સરથાણામાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ હરકતમાં આવેલા ફાયર વિભાગે મહિધરપુરા વિસ્તારમાં આવેલી ૨૭૦ જેટલી ડાયમંડની ઓફિસોને સીલ મારી દેતાં વેપારીઓમાં ઉગ્ર રોષની લાગણી વ્યાપી ગઈ છે. સિંગણપોરના રાજદીપ કોમ્પલેક્સની ૫૫ દુકાનો પણ ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવતા સુરતમાં ઘેરા પ્રત્યાઘાત પડે એવી સંભાવના સર્જાઈ છે.
સરથાણામાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા શહેરમાં સર્વે કરી ગત જુલાઈ માસમાં ફાયર સુવિધા ઊભી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. જુલાઈ માસમાં નોટિસ પાઠવવા છતાં હજુ પણ ફાયર સુવિધા ઊભી કરવામાં ન આવતા ફાયર વિભાગે લાલ આંખ કરી છે. દિવાળી પહેલાં ફાયર વિભાગે અસંય રીંગરોટ માર્કેટની દુકાનો, કોમર્શિયલ ઇમારતો, શૈક્ષણિક સંસ્થાઓ સીલ કરી હતી. દિવાળી પછી માર્કેટ ફરીથી ધમધમતી થતાં ફાયર વિભાગે પોતાની કામગીરી ફરી શરૂ કરી છે. શુક્રવારે સવારે ફાયર વિભાગ દ્વારા મહિધરપુરા વિસ્તારમાં આવેલા ડાયમંડ વિલેજમાં ગ્રાઉન્ડ પ્લસ ૪ માળમાં આવેલી ૨૭૦ જેટલી ડાયમંડની ઓફિસને સીલ કરવામાં આવી છે. જેને લઇને વેપારીઓમાં ફાયરની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. માંડ દિવાળી પછી વેપાર ઉદ્યોગ શરૂ કરતાંની સાથે જ ફાયર વિભાગે કામગીરી કરતાં તેમના કામ-ધંધા પર તેની અસર જોવા મળી છે. આ ઉપરાંત સિંગણપોર કતારગામમાં આવેલા રાજદીપ કોમ્પલેક્સની ૫૫ જેટલી દુકાનો ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી છે. આમ ફાયર વિભાગની કામગીરીના પગલે અન્ય કોમર્શિયલ ઇમારત, કાપડ અને ડાયમંડ ઉદ્યોગના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.
મનપા વિપક્ષના નેતા શું કહે છે
ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનો કોઈ અર્થ નથી. શહેરના નાગરિકોએ ફાયર સેફ્ટીનું યોગ્ય અમલીકરણ કરવું જોઈએ પણ પાલિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી વધુ પડતી કહેવાય, એમ જ આર્થિક મોરચે સરકાર નિષ્ફળ છે એટલે લોકોના ધંધા-રોજગારમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે આવા સંજોગોમાં પાલિકાએ માનવીય અભિગમ દાખવીને લોકોને રાહત થાય એવું પગલું ભરવું જોઈએ એમ સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પ્રફુલ્લ તોગડિયાએ ગુજરાત ટુડેને જણાવ્યું હતું.