(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
નોટબંધી અને જીએસટીના મારથી બેવડાઈ ગયેલા સુરતના કાપડના વેપારીઓને હાલ તહેવારોની ખરીદી શરૂ થતાં રાહત મળી છે. આગામી દિવસોમાં રક્ષાબંધન, અખાત્રીજ સહિતના અન્ય તહેવારોને લીધે સાડી અને ડ્રેસ મટીરિયલ્સ મોટા પ્રમાણમાં ઓર્ડર મળતા વેપારીઓમાં કંઇક અંશે ખુશી પ્રવર્તિ રહ્યી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક કાપડ માર્કેટ છેલ્લા એક વર્ષથી જીએસટીને લીધે મંદીમાંથી પસાર થઇ રહ્યું છે. પાછલા દિવસોમાં વેપારીઓને લગ્નસરા અને રમજાનમાં સારી ખરીદી થવાની આશા હતી. પરંતુ તેમની ધારણા પ્રમાણે ઓર્ડર નહીં મળતા વેપારીઓ નિરાશ થઇ ગયા હતા. ત્યારબાદ વેપારીઓએ રક્ષાબંધન, અખાત્રીજ, નવરાત્રી સહિત અન્ય તહેવારો પર મીટ માંડી છે. રક્ષાબંધન તહેવાર માટે દેશભરમાંથી સાડી અને ડ્રેસ સેગમેન્ટ બન્નેમાં મોટા પ્રમણમાં ઓર્ડર મળે છે. કાપડ વેપારીઓએ પણ તે મુજબ તૈયાર કરી રાખી છે, મોટા ભાગના વેપારીઓે પ્રિન્ટ અને વર્ક બન્ને પ્રકારના કાપડનો સ્ટોક કરી રાખ્યો છે. પાછલા દિવસોમાં ટ્રાન્સપોટર્સની હડતાળ શરૂ થતાં વેપારીઓ માલ મોકલી શક્યા ન હતા. હવે ટ્રાન્સપોટર્સની હડતાળ સમાપ્ત થતા વેપારીઓએ ઓર્ડર મોકલવાની શરૂઆત કરી છે.
વેપારીઓનું કહેવું છે કે, ભારતના દરેક રાજ્યોમાંથી વેપારીઓ તરફથી સાડી અને ડ્રેસ બન્નેમાં સારા ઓર્ડર મળી રહ્યા છે. હાલ રક્ષાબંધનની ખરીદી માટે વેપારીઓ આવી રહ્યાં છે, ત્યારબાદ ઉત્તરભારતના યુપી, બિહાર સહિત કેટલાક રાજ્યોમાં ઉજવાતા તીજ માટે સાડી મટીરિયલ્સની સારી ખરીદી નીકળશે અને પછી ક્રમશઃ નવરાત્રી સહિતના તહેવારો માટે ઓર્ડર મળવાની શરૂઆત થઇ જશે. ઉલ્લેખનીય છે કે, પાછલા વર્ષે જીએસટી લાગૂ થયા બાદ કાપડના વેપારી મંદી હોવાની ફરિયાદ કરી રહ્યા હતા, તેમનું કહેવું હતું કે, રિટેલ માર્કેટમાં ખરીદી નહીં હોવાના કારણે હોલસેલમાં મંદી છે. જો કે, છેલ્લા એક મહિનાથી કાપડ વેપારીઓને ઓર્ડર મળવાની શરૂઆત થતા તેઓ રાહત અનુભવી રહ્યા છે. તહેવારોની ખરીદી સારી હોવાથી વેપારીઓને ઓક્સિજન મળ્યું છે. તેમાં પણ ખાસ કરીને ડ્રેસના વેપારીઓની હાલત તો એકદમ કફોડી થઇ હતી. જો કે, રક્ષાબંધનમાં ડ્રેસ મટીરિયલ્સ માટે સારા ઓર્ડર મળતા વેપારીઓને રાહત થઇ છે.