(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય પાર્ટીના પ્રમુખ વક્તાઓ અને નેતાઓના ચૂંટણીલક્ષી પ્રવાસો શરૂ થયા છે. આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ત્યારબાદ તા.૮મી નવેમ્બરના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સુરત આવવાના છે. સુરત શહેર કોંગ્રેસ અધ્યક્ષ હસમુખ દેસાઈના જણાવ્યા અનુસાર તા.૮મી નવેમ્બરના રોજ રાહુલ ગાંધી સુરતમાં આવવાના છે. ગત ૫મી નવેમ્બરના રોજ વરાછાના જળક્રાંતિ મેદાન ખાતે સભાને સંબોધતા રાહુલ ગાંધીએ શહેરના ટેક્ષ્ટાઈલ અને ડાયમંડ ઉદ્યોગના વેપારીઓ સાથે મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ૮મી નવેમ્બરના રોજ રાહુલ ગાંધી એક દિવસ માટે સુરત આવવાના છે. ટેક્ષ્ટાઈલ વેપારીઓની મુખ્ય સમસ્યા જીએસટી અંગે ચર્ચા વિચારણા કરવાના છે. રાહુલ ગાંધી સુરત ખાતે વેપારીઓને મળવાની સાથે નવા રાજકીય સમીકરણ રચાય તેવી પણ શક્યતા છે. વરાછા વિસ્તારમાં સક્રિય પાટીદાર આંદોલનના પગલે રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ વચ્ચે કોઈ બેઠક થાય તેવી શક્યતા છે.