(સંવાદદાતા દ્વારા) વેરાવળ,તા.ર૧
લઘુમતી સમુદાયના રક્ષણ અને ઉત્થાન માટે માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી દ્વારા ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી લઘુમતી આયોગની રચના કરવામાં આવે તેમજ અન્ય માગણીઓ રજૂ કરેલ છે.
વેરાવળ સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ વગફારભાઈ ચાંચિયા, ફારૂકભાઈ મલિક, હાસમભાઈ મુસાગરા, અબુભાઈ તાઈ, અનવરભાઈ ચૌહાણ, હનીફભાઈ બાઘડા, રફીકભાઈ મૌલાના, ફારૂકભાઈ જમાદાર, ફારૂકભાઈ વગેરેએ ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં લઘુમતી સમુદાયના રક્ષણ અને ઉત્થાન બાબતે જણાવેલ કે રાજ્યમાં લઘુમતી આયોગની રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબૂતી મળે તેવો કાયદો વિધાનસભામાં પ્રસાર કરવામાં આવે, રાજ્યના બજેટમાં લઘુમતીઓના વિકાસ માટે નક્કર જોગવાઈ કરવામાં આવે, લઘુમતી બહુલ ક્ષેત્રોમાં સહકારી હાયર સેકન્ડરી શાળાઓની સ્થાપના કરવામાં આવે, રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે, મદ્રેસા ડિગ્રીને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે, લઘુમતીઓના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે. કોમી તોફાનોથી આંતરિક વિસ્થાપિત થયેલા લોકોના પુનઃસ્થાપન માટે પોલિસીની રચના કરવામાં આવે અને પ્રધાનમંત્રીના નવા ૧પ સૂત્રીય કાર્યક્રમની સંપૂર્ણ અમલવારી કરવામાં આવે તેવી માગ કરવામાં આવેલ છે.