વેરાવળ,તા.૨૪
સમગ્ર દેશમાં આતંકી ખતરો મંડરાઈ રહેલ છે અને દેશની સમુદ્ર સુરક્ષા સઘન બનાવાય રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ અને નવાબંદર મરીન પોલીસને જિલ્લાના દરિયા કાંઠાની સુરક્ષા સાથે પેટ્રોલીંગ કરવા ફાળવાયેલ છ સ્પીડ બોટો હાલ જેટી પર લાંગરેલ સ્થિતિમાં હોવાથી જિલ્લાની સુરક્ષા સાવ રેઢી હોવાનું જણાય છે.
હાલના જમ્મુ-કાશ્મીરના ઉરી સેેક્ટરમાં થયેલ આતંકી હુમલામાં પણ આતંકીઓ નદીઓના માર્ગે પ્રવેશ્યા હોવાનું બહાર આવી રહેલ છે. જેના પગલે દેશના સુરક્ષા વિભાગને એલર્ટ બની ભારતની દરિયાઈ બોર્ડરો પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે દરિયાઈ સુરક્ષા બાબતે ગુજરાતમાં મરીન પોલીસ દ્વારા દરિયાકાંઠાના નજીકના દરિયામાં સ્પીડ બોટો મારફત પેટ્રોલીંગ કરી દરેક ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવતી હોય છે. આ બાબતે ગુજરાત પોલીસની ગંભીર બેદરકારી ગીર-સોમનાથ જિલ્લામાં સામે આવી છે. જેમાં સોમનાથ મરીન અને નવાબંદર મરીના પોલીસને ત્રણ-ત્રણ મળી કુલ છ આધુનિક સ્પીડ બોટો ફાળવવામાં આવી છે. જે તા.૧૫ ઓગસ્ટ બાદ મરીન પોલીસ દ્વારા ફરી પેટ્રોલીંગની શરૂઆત કરતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે તા.૧૫ ઓગસ્ટ વિત્યાને એક માસથી વધુુ સમય થઈ ગયો હોવા છતાં આ સ્પીડ બોટો જેટી પર લાંગરેલ સ્થિતિમાં નજરે પડે રહી છે. આ સ્પીડ બોટોમાં વપરાતું ઈંધણ પણ હાલ નથી અને સરકાર દ્વારા અપાતું ઈંધણ કે તેનો ખર્ચ ન મળ્યો હોવાનું સૂત્રો જણાવી રહેલ છે. ત્યારે મરીન પોલીસને ફાળવાયેલ બોટોની સ્થિતિ માત્ર ગીર-સોમનાથમાં જ નહીં પણ તમામ જગ્યા પર ઠપ્પ હોવાનું જાણકારોમાં ચર્ચાઈ રહેલ છે.
આ અંગે ઈન્ચાર્જ એસ.પી. કે.એન.પટેલે જણાવ્યું કે, એક સ્પીડ બોટ દ્વારા આજથી પેટ્રોલીંગ ચાલુ કરી દેવામાં આવેલ છે. જ્યારે ટેકનિકલ ખામીના કારણે બાકીની પાંચ બોટોનું પેટ્રોલીંગ બંધ હોય જે સત્વરે ચાલુ કરવા કાર્યવાહી હાથ ધરાયેલ છે.
Recent Comments