(સંવાદદાતા દ્વારા) સુરત. ૨૬
સુરત મહાનગરપાલિકામાં ચાલુ વર્ષના બજેટમાં વેરા વધારાનો ભારે વિરોધ થયો હતો અને કોંગ્રેસે મોટું તોફાન મચાવ્યું હતું. જોકે, હવે શહેરભરમાં વેરાબિલ મુદ્દે ઉગ્ર વિરોધ ઉઠી રહ્યો છે. કારણ કે, ઘણે ઠેકાણે ગત વર્ષ કરતાં વેરાબિલમાં ધરખમ વધારો ઝીંકી દેવાયો છે. ખાસ કરીને વોટર, ડ્રેનેજ, સફાઇ ચાર્જીસ શહેરીજનો માટે સમજવા અઘરા થઇ રહ્યા છે. સુરત મહાનગરપાલિકામાં જ્યારે જકાતની જોગવાઇ હતી, ત્યારે ખાસ્સી સમૃદ્ધિ હતી. પરંતુ જકાત નાબુડી બાદ આર્થિક હાલત કથળી છે. જકાતની એવેજમાં સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાં યોગ્ય વધારો નહીં થતાં અને આંધળો વિકાસ થતાં પાલિકાના તંત્રને ચલાવવા મેટે આર્થિક ઇંધણ સતત ખૂટી રહ્યું છે. ત્યારે ચાલુ વર્ષે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા વેરાવધારાની દરખાસ્ત લાવવામાં આવી હતી. જેનો શહેરભરમાં ઉગ્ર વિરોધ થયો હતો. કોંગ્રેસે તો વેરાવધારાની દરખાસ્તનો તોફાની વિરોધ કર્યો હતો અને પાલિકા સંકુલમાં બજેટ ચર્ચાની શાસકોની મિટીંગ સ્થળે તોડફોડ પણ કરી હતી. જે તે વખતે ડઘાઇ ગયેલા શાસકોએ ત્યારે શહેરીજનોના હિતની ડાહી ડાહી વાતો કરી હતી અને મોટાભાગનો વેરાવધારો પાછો ખેંચાવ્યો હતો. શહેરીજનોને એવું હતું કે, હવે વેરાબિલમાં માંડ ૧૦ થી ૨૦ ટકાનો વધારો આવશે. પરંતુ ઘણાં વિસ્તારોમાં કેટલાક વેરાબિલો જોઇને શહેરીજનો રીતસર ડઘાઇ ગયાં છે. વેરાબિલમાં ૨૫ કે ૫૦ ટકાનો નહીં, પરંતુ દોઢસો ટકા જેટલો વધારો ઝીંકી દેવાયો છે. શહેરના અડાજણ વિસ્તારના એક ફ્લેટની વાત લઇએ તો ગત વર્ષે વન બેડરૂમ કિચન ફ્લેટનું વેરાબિલ એક હજાર આસપાસ હતું, જે ચાલુ વર્ષે રૂા. ૨૫૦૦ની આસપાસ થઇ ગયું છે.
વેરાબિલ જોતાં એવું લાગી રહ્યું છે કે, તેમાં વોટર ચાર્જીસમાં કમ્મરતોડ વધારો ઝીંકી દેવાયો છે. સાથે જ ડ્રેનેજ અને સફાઇ ચાર્જીસમાં પણ ખાસ્સો વધારો ઝીંકાયો છે. તો શું પાલિકાના શાસકોનું વચન પોકળ હતું ? વેરાબિલમાં દોઢસો ટકાનો વધારો કઇ રીતે ઝીંકાયો તે સમજી શકાય તેવી વસ્તુ નથી ખાસ વાત તો એ છે કે, વેરાવધારાનો તોફાની વિરોધ કરનારા કોંગ્રેસીઓ હજુ સુધી ચૂપ બેસી રહ્યા છે. અગાઉ લિંબાયત ઝોનમાં પણ કેટલીક સોસાયટીના રહીશોએ મોરચો માંડીને આ જ સંદર્ભે રજૂઆત કરી હતી, જેનું કોઇ પરિણામ હજુ સુધી દેખાયું નથી. અલબત્ત કેટલાક બુધ્ધિજીવોએ અત્યારે વેરાબીલના અભ્યાસમાં લાગ્યા છે. અને કયા આધારે અટલો વધારો ઝીંકાયો છે ? તે શોધી રહ્યાં છે. આગામી દિવસોમાં આ મુદ્દો સળગશે અને પાલિકાના વહીવટી તંત્ર અને શાસકોએ લોકોને જવાબ આપવાનો ભારે પડી જશે.