(એજન્સી) શેખપુર, તા.૧૮
બિહારના શેખપુરા જિલ્લાના ડીએમે જમ્મુ-કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ જવાનોના કુટુંબીજનો માટે નવી પહેલ શરૂ કરી છે. શનિવારે ડીએમ ઈનાયતખાને હુમલામાં શહીદ થયેલા બિહારના જવાન સંજયકુમાર સિન્હા અને રતનકુમાર ઠાકુરની દીકરીઓને દત્તક લેવાની વાત કરી છે.
ડીએમ બંનેની એક-એક દીકરીઓના અભ્યાસની સાથે-સાથે તેમના ઉછેરનો પણ આજીવન ખર્ચો ઉઠાવશે. તેની સાથે જ ડીએમ ઈનાયતખાને પોતાનો બે દિવસનો પગાર પણ શહીદ જવાનોના પરિવારને આપી દીધો છે.
શહીદના પરિવાર માટે ડીએમે બેન્ક એકાઉન્ટ પણ ખોલાવ્યું છે. અને પોતાના તમામ સાથી પોલીસ કર્મચારીઓને પણ એક દિવસનો પગાર શહીદોના પરિવારોને આપવાની અપીલ કરી છે. ડીએમએ જણાવ્યું કે પુલવામાની ઘટનાથી સંપૂર્ણ દેશમાં શોક છે અને આવા સમયે બધાએ એક થઈને સહયોગ આપવો જોઈએ. આ રીતે આપણે શહીદોના પરિવારોની મદદ કરી શકીએ છીએ. આ જ તેમના માટે યોગ્ય શ્રદ્ધાંજલી હશે.
ઉલ્લેખનીય છે કે પુલવામાં આતંકી હુમલા પછી દેશના નાગરિકો અત્યાર સુધી ૭ કરોડ રૂપિયાથી વધુનું દાન કરી ચૂક્યા છે. સુરક્ષાઓ સાથે જોડાયેલા એક અધિકારીએ આ વાતનું સમર્થન કર્યું છે.