(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૨
અયોધ્યામાં રામ મંદિર માટે ૨૦૧૮માં સુપ્રિમ કોર્ટ ચૂકાદો આપે તેવી આશા છે. ત્યારબાદ રામ મંદિરનું નિર્માણ હાથ ધરવામાં આવશે. વિહિપ માટે મોંઘવારી એ મુદ્દો નથી. તેમ આજે વડોદરાની મુલાકાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદનાં વડા અલોકકુમાર એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વિહિપનાં વડા આજે વડોદરાની ટુંકી મુલાકાતે આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, રામ મંદિર કરોડો હિન્દુની આસ્થાનું કેન્દ્ર છે. આથી અદાલત લોકભાવનાને ધ્યાને રાખી ચુકાદો આપશે.
અમે અનેક વિષય ઉપર કામ કરી રહ્યા છીએ. મોંઘવારી અમારા માટે મુદ્દો નથી. જેને મોંઘવારી ઉપર રાજકારણ રમવું હોય તેમને રમવા દો. સલમાન ખાન દ્વારા નિર્મિત લવરાત્રી ફિલ્મ અંગે તેમણે કહ્યું કે, લવરાત્રીનું નામ નવરાત્રી ઉપરથી જ આપવામાં આવ્યું છે. નવરાત્રી ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ ધાર્મિક મહત્વ ધરાવે છે. જો ફિલ્મનું નામ નહીં બદલવામાં આવે તો વિહિપનાં નેજા હેઠળ ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
એક પ્રશ્નનાં પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં અનેક ધર્મ અને સમુદાયનાં લોકો વસે છે. પરંતુ હિન્દુ વોટ બેંક હજી સુધી અસ્તિત્વમાં આવી નથી. જે દિવસે હિન્દુ વોટ બેંક ઉભી થશે ત્યારે તેને કાબુમાં રાખવી મુશ્કેલ બનશે. આ ઉપરાંત અલોકકુમારે જણાવ્યું હતું કે, ભારતનાં દિલ્હી સ્થિત પાદરી દ્વારા ક્રિશ્ચયન મિશનરીઓનાં પાદરીઓને ચર્ચમાં એક દિવસ ઉપવાસ કરવા માટે અને પ્રાર્થના કરવા માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર આગામી ૨૦૧૯ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. તેમજ આ પરિપત્ર તાત્કાલીક પરત ખેંચવામાં આવે તેવી માંગણી પણ આલોકકુમારે કરી છે.