(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૪
ગુજરાત સરકાર રાજ્યના વિકાસ માટે એક પછી એક પોલિસીઓ ઘડી રહી છે. જેમાં હવે નવી ટેક્ષટાઈલ પોલિસી જાહેર કરવાની સરકાર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ નવી પોલિસી તૈયાર કરવા મુદ્દે આજે સરકારની એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી. જેમાં આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ પહેલાં આ નવી ટેક્ષટાઈલ પોલિસી જાહેર કરવાનું નિર્ધારિત કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યની ટેક્ષટાઈલ પોલિસી સંદર્ભમાં ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક આજે મળી હતી. ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી ર૦૧ર પૂર્ણ થઈ ગઈ હોઈ હવે આગામી વાયબ્રન્ટ સમિટ પહેલાં રાજ્ય સરકાર નવી ટેક્ષટાલ પોલિસી જાહેર કરશે. આ પોલિસીને આખરી કરતા પહેલાં મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને ટેક્ષટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે આ બેઠક યોજી તેમના સૂચનો પણ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત ટેક્ષટાઈલ ક્ષેત્રનું હબ બને તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતનું ટેક્ષટાઈલ સેક્ટર અગ્રેસર રહે તેવી રાજ્ય સરકારની નેમ છે. નવી જાહેર થનારી ટેક્ષટાઈલ પોલિસીમાં આ સમગ્ર વિષયોને આવરી લેવા તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા. ઉર્જામંત્રી સૌરભ પટેલ, મુખ્ય સચિવ ડો.જે.એન. સિંહ તેમજ અન્ય અધિકારીઓ વગેરે આ બેઠકમાં જોડાયા હતા.