(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨૯
આણંદ તાલુકાના મોગર ગામે અમૂલ ડેરી દ્વારા નિર્મિત ચોકલેટ પ્લાન્ટનાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, તેની પૂર્વ સંધ્યાએ આજે અમૂલ ડેરીનાં વાઈસ ચેરમેને અમૂલનાં ચોકલેટ પ્લાન્ટનાં ઉદઘાટન કાર્યક્રમને અમૂલનો કાર્યક્રમ નહી પણ ભાજપનો પક્ષીય કાર્યક્રમ બનાવી દેવાનો આરોપ લગાવી કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરતા અમૂલમાં રહેલો વિખવાદ સપાટી પર આવી ગયો છે, અને જેન લઈને સનસનાટી મચી જવા પામી છે.
આ અંગે અમૂલ ડેરીનાં વાઈસ ચેરમેન અને બોરસદનાં કોંગ્રેસનાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે આજે જણાવ્યું હતું કે અમૂલનાં ચોકલેટ પ્લાન્ટનો વડાપ્રધાનનાં હસ્તે ઉદઘાટન સામે વાંધો કે વિરોધ નથી,અમૂલ ડેરીમાં અગાઉ અન્ય વડાપ્રધાનો, રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીઓ આવી ગયા છે, પરંતુ તેમાં કયારેય રાજકારણ લાવવામાં આવ્યું નથી,અમૂલે તે કાર્યક્રમો અમૂલનાં કાર્યક્રમો તરીકે ઉજવણી કરી છે, જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જાણે અમૂલનો કાર્યક્રમ નહી પરંતુ ભાજપનો પક્ષીય કાર્યક્રમ હોય તેમ આમંત્રણ પત્રિકા, મંડપથી લઈને સમગ્ર કાર્યક્રમનું જાણે ભગવાકરણ કરી નાખવામાં આવ્યું છે જેની સામે દુઃખી થઈ તેઓ અમૂલનાં કાર્યક્રમમાં જશે નહી અને કાર્યક્રમનો બહિષ્કાર કરશે.રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે અમૂલ છ લાખ સભાસદોની સંસ્થા છે નહી કે સરકારી તેમ છતાં કાર્યક્રમનો સંપૂર્ણ કબ્જો આણંદ,ખેડા અને મહિસાગર જિલ્લાનાં સરકારી અધિકારીઓએ લઈ લીધો છે અમૂલનાં કાર્યક્રમમાં વહીવટી તંત્રને શું લેવા દેવા છે.