(એજન્સી) ઇમ્ફાલ, તા. ૧૭
મણિપુરના ઇમ્ફાલમાં એમબીએના ૨૬ વર્ષીય વિદ્યાર્થી ફારૂક અહમદખાનને હિંસક ટોળા દ્વારા ઢોર માર મારીને હત્યા કરવામાં આવ્યાના ત્રણ દિવસ બાદ પોલીસે એક સબ-ઇન્સપેક્ર સહિત ચાર પોલીસવાળાને સસ્પેન્ડ કરી દેવાામાં આવ્યા છે. ઇમ્ફાલ પશ્ચિમના પોલીસ અધીક્ષક જોગેશ્વર હાઓબિજમે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઘટનાના વીડિયોમાં ઘટના સ્થળે ચાર પોલીસવાળાની ઉપસ્થિતિ દેખાય છે, તે વખતે ફારૂક જીવિત હતો અને તે જમીન પર પડેલો હતો. ફારૂક ગંભીર રીતે ઘવાયેલો હોવા છતાં આ પોલીસવાળાઓએ તેને બચાવવા માટે કશું જ કર્યુ ન હતું અને તેને પીડામાં કણસતો જોતા રહ્યા હતા. અંતે ગંભીર ઇજાઓને કારણે ફારૂકનું મૃત્યુ નીપજ્યું હતું. થૌબુલ જિલ્લાના વતની ફારૂકખાનની વાહન ચોર હોવાની શંકાએ હિંસક ટોળા દ્વારા ઇમ્ફાલના થારાઇજામ વિસ્તારમાં ગુરૂવારે અત્યંત ક્રૂરરીતે હત્યા કરવામાં આવી હતી. જોકે, ફારૂકખાન સાથે રહેલા તેના મિત્રો ઘટનાસ્થળેથી છટકીને પોતાના જીવ બચાવવામાં સફળ થયા હતા પરંતુ તેમની હજીસુધી ઓળખ થઇ શકી નથી. ફારૂકખાનની ઘાતકી હત્યાનીે ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે અને વિસ્તારમાં વિભિન્ન સામાજિક કાર્યકરોએ ધરણા યોજ્યા હતા. મણિપુર માનવ અધિકાર પંચે આ મામલાની નોંધ લઇને રાજ્યના પોલીસ મહાનિર્દેશકને તપાસ કરાવવા અને ૨૨મી સપ્ટેમ્બર સુધી એક રિપોર્ટ આપવાનું જણાવ્યું છે. મણિપુરના મુખ્ય પ્રધાને પણ ફારૂકના લિંચિંગની ઘટના અને પોલીસની બેદરકારીની ફાસ્ટટ્રેક તપાસનો આદેશ આપ્યો છે. પોલીસ અધીક્ષકે જણાવ્યું કે એક સબ-ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ગ્રામ રક્ષા દળના ત્રણ કર્મચારીઓને રવિવારે બરતરફ કરી દેવામાં આવ્યા છે. પોલીસ અધીક્ષકે એવું પણ જણાવ્યું કે અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. આ મામલામાં સંડોવાયેલા બધા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. ફારૂકખાનના લિંચિંગના સંદર્ભમાં ઇન્ડિયા રિઝર્વ બટાલિયન (આઇઆરબી)ના એક કોન્સ્ટેબલ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.