(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રપ
ગુજરાતના ગીરના સિંહ વિશ્વભરમાં વિખ્યાત છે અને તેને જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ આવે છે. પરંતુ ગીરના સિંહોની સુરક્ષા સહિતની વ્યવસ્થામાં ઉણપની ફરિયાદો વારેઘડિયે ઉઠતી રહે છે. વન્યજીવની સુરક્ષા અંગેના કડક કાનૂન છતાં તેમની પજવણી કરવાની વારેઘડિયે ઘટનાઓ બનતા કડક કાયદાના અમલમાં તંત્ર નિષ્ફળ રહેતું હોવાની વિગતો બહાર આવે છે. ગીરના વધુ એક સિંહની સતામણી કરવાનો બનાવ બનવા પામ્યો છે. સિંહણ સાથેના પરિવારની પજવણી કરવાનો વીડિયો વાયરલ થતા ચર્ચા શરૂ થવા સાથે સુરક્ષાને લઈ ફરી પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.
સિંહોની પજવણી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક સિંહ અને ચાર સિંહ બાળની પાછળ વાહન દોડાવામાં આવી રહ્યું હતું અને સાથે જ તેમનો વીડિયો ઉતારવામાં આવી રહ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને વીડિયો બનાવનાર વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા હતા.
વન વિભાગે વીડિયો મેળવીને સૌ પ્રથમ તો આ વીડિયો કયા સ્થળનો છે તે જાણવા પ્રયાસ કર્યા હતા. જેમાં સિંહોની પજવણીનો આ વિડીયો રાજુલા નજીક આવેલ પીપાવાવ પોર્ટનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ રાજુલા વનવિભાગ દ્રારા અલગ અલગ ટીમો બનાવી પીપાવાવ પોર્ટ વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. વિસ્તૃત તપાસ કરતા જાણવા મળ્યું કે, સિંહોની પજવણીની આ ઘટના રાજુલાથી પીપાવાવ વચ્ચે ૨૩ તારીખની છે. જેમાં એસટી બસ રિવર્સ લઇને સિંહને પજવણીનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આથી, વન વિભાગે વધુ તપાસ હાથ ધરીને ૨૩ તારીખના રોજ આ માર્ગેથી પસાર થનારી એસટી બસની વિગતો મેળવવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, રાજુલાથી પીપાવાવ પોર્ટ તરફ જતી બસના મુસાફરોએ આ વીડિયો બનાવ્યો હતો. આથી, વન વિભાગે બિન જામીનપાત્ર ગુના હેઠળ આ વીડિયો બનાવનારા ભાર્ગવ પરમાર અને બસ ડ્રાઈવર સુલેમાન કલાણીયાની ધરપકડ કરીને આગળ વધુ કાર્યવાહી હાથ ધરી છે.