અમદાવાદ,તા.ર
શિક્ષણના વેપારીકરણની વાતો ચારે તરફ થઈ રહી છે ત્યારે આવા વેપારીકરણના જમાનામાં ગુરૂ-શિષ્યના પવિત્ર અને લાગણી સભર સંબંધોની વાતો કરવી કેટલી યોગ્ય ? તેવો પ્રશ્ન ઉઠાવતા અનેક કિસ્સાઓ સાથે આવ્યા છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારની એક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને લાતો અને લાફાઓ મારતો વીડિયો ગુરૂવારના રોજ વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. અદાવાદની એક સ્કૂલનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં શિક્ષકો વિદ્યાર્થીઓને તમાચા અને લાતો મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો અમદાવાદની પૂર્વ વિસ્તારની કોઈ ઈન્ટરનેશનલ સ્કૂલનો હોવાની ચર્ચા ચાલી રહી છે. જેમાં શિક્ષક પહેલાં વિદ્યાર્થી સાથે ગેટ પર વાતચીત કરતા જોવા મળે છે અને ત્યાર બાદ લાતો અને લાફાઓ ઝીંકવા લાગે છે. આ પહેલાં અમદાવાદના નરોડા વિસ્તારમાં એક માસુમ વિદ્યાર્થીને માર મારતા શિક્ષિકાની બર્બરતા સામે આવી હતી. શહેરના નરોડા વિસ્તારમાં ટ્યૂશન જતા કેજીના વિદ્યાર્થીને શિક્ષિકાએ માર મારતા વિદ્યાર્થીના શરીર પર ઉઝરડા પડી ગયા હતા. આ મામલે વિદ્યાર્થીના માતા-પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં શિક્ષિકા સામે ફરિયાદ પણ નોંધાવી હતી.
પાલનપુરની વિદ્યામંદિર શાળામાં માસૂમ વિધાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે. જ્યાં સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યા હતો. વિદ્યામંદિરની ઈંગ્લીશ મીડિયમ ધોરણ ૮માં ભણતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો. શિક્ષકે ડસ્ટબિનમાં કાગળ નાખવા જેવી બાબતે નાની વાતે વિદ્યાર્થીને માર માર્યો હતો. વિદ્યાર્થીના પગ તેમજ હાથ ઉપર મેહુલ પરમાર નામના શિક્ષકે માર માર્યો હતો.