અમદાવાદ,તા.૯
વિદેશમાં નોકરીની લાલચ આપી યુવાનોની સાથે છેતરપિંડી કરનારા લેભાગુ એજન્ટો સામે રાજય સરકારે લાલ આંખ કરી છે. આવા ગેરકાયદે એજન્ટોની પ્રવૃતિઓને ડામવા માટે ગાંધીનગરમાં ગૃહમંત્રીએ સમીક્ષા બેઠક યોજી હતી. સરકારના ધ્યાનમાં આવેલા આવા છેતરપિંડીના ૧૦ કેસોમાંથી ૮ કેસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગ્લોબલાઇઝેશનને પરિણામે દેશ-વિદેશમાં કામ કરવાની તકો વધી છે. પરિણામે ભારતીયો વિદેશમાં રોજગાર મેળવવા જઇ રહ્યા છે. ત્યોરે રાજ્યના યુવાનો-નાગરિકો છેતરાય નહી તે માટે રિક્રુટીંગ એજન્ટની નુકશાનકારક પ્રવૃત્તિ ડામવા રાજ્ય સરકારે કડક વલણ દાખવ્યુ છે. રાજ્યમાં ૧૦ કેસો ધ્યાનમાં આવ્યા છે તે પૈકી ૮ કેસોમાં ગુનાઓ નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
ગાંધીનગર ખાતે વિદેશમાં નોકરીની લાલચ આપી ગેરકાયદેસર કે નહીં નોંધાયેલ રિક્રુટીંગ એજન્ટની નુકશાનકારક પ્રવૃત્તિને ડામવા માટે યોજાયેલ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં ગૃહમંત્રી જાડેજાએ કહ્યું હતુ કે, વિદેશમાં રોજગારી મેળવવા માટે ભારતીય કામદારોની ભારે માંગ છે. ભારતનું વિદેશ મંત્રાલય, નોંધાયેલ રિક્રુટીંગ એજન્ટો મારફતે વિદેશમાં નોકરી માટે જવાની સવલત આપે છે, તેમછતાં ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટ ભોળા યુવાન વર્ગને વિદેશમાં સારા પગારવાળી નોકરીની લાલચ આપી તેમને છેતરતા હોય છે તેથી વિદેશમાં નોકરી વાંચ્છુકનું શોષણ થાય છે અને હેરાનગતિ ભોગવવી પડે છે. આ પ્રકારની હેરાનગતિ થાય નહીં અને ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટો દ્વારા ચાલાકીપૂર્વક આચરવામાં આવતી ગેરરીતી અને ભષ્ટ્ર રીતરસમોનો ભોગ સામાન્ય નાગરિકો ન બને તે માટે ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટો વિરુદ્ધની કેન્દ્ર સરકાર તરફથી મળેલ ફરીયાદો સંદર્ભે રાજ્ય સરકારે કડક હાથે કામગીરી હાથ ધરી છે. તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા કરીને તેઓ વિરુદ્ધ જરૂરી તપાસ કરાવી અને ફરીયાદી પાસેથી ફરીયાદ મેળવી ઇમીગ્રેશન એક્ટ ૧૯૮૩ હેઠળ પોલીસ ફરીયાદ નોંધવાની કાર્યવાહી કરવા ગૃહ વિભાગે રાજ્યના પોલીસ વિભાગને સૂચના આપી છે તે મુજબ ગુન્હો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આ બાબતને ધ્યાનમાં લઇ ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટો દ્વારા છેતરપિંડીના ૧૦ કેસો ધ્યાનમાં આવ્યા છે. જે બાબતે તપાસ કરતાં અમદાવાદ શહેર ડીસીબી પો.સ્ટેશન વડોદરા શહેરના સયાજીગંજ પો.સ્ટે. તથા કારેલીબાગ પો.સ્ટે. સુરત શહેર ઇચ્છાપોર પો.સ્ટે., રાજકોટ શહેર આજીડેમ પો.સ્ટે અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પો.સ્ટે. ખાતે ઇમીગ્રેશન એક્ટ ૧૯૮૩ કલમ ૧૦ અને ૨૪ હેઠળ ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેર શોલા પો.સ્ટે.માં યુનીબીમ સર્વીસ પ્રા.લી. સામે બે ગુનાઓ દાખલ કરવાની તજવીજ ચાલુમાં છે. આમ કુલ ૦૮ ગુનાઓ નોંધીને આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ઇમીગ્રેશન એક્ટની કલમ ૧૦ અને ૨૪ના ભંગ સંદર્ભે બે વર્ષ સુધીની કેદની તથા ૨૦૦૦ રૂપિયા રોકડ દંડની જોગવાઇ છે.