કેન્ડી, તા.૧૧
ઈતિહાસ સર્જવાની નજીક ઉભેલી વિરાટ કોહલી એન્ડ કંપની શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં શનિવારે ઉતરશે તો તેની નજર વિદેશી ધરતી પર ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝમાં વ્હાઈટવોશ કરનારી પ્રથમ ભારતીય ટીમ બનવા પર કેન્દ્રીત હશે. છેલ્લા કેટલાક સમયથી ફેરફારના તબક્કામાંથી પસાર થઈ રહેલી શ્રીલંકન ટીમે આ મેચ માટે લીલીછમ પીચ તૈયાર કરી છે. ખરાબ વાતાવરણના કારણે જો કે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી શકી નહીં. શ્રીલંકાએ ઝડપી બોલર ચામીરા અને ગામેગેનો ટીમમાં સમાવેશ કર્યો છે. જે ઈજાગ્રસ્ત પ્રદીપ અને હેરાથનું સ્થાન લેશે. પિચને જોતાં કોહલી ભુવનેશ્વર કુમારને ત્રીજા ઝડપી બોલરના રૂપમાં ઉતારી શકે છે જે રવિન્દ્ર જાડેજાનું સ્થાન લઈ શકે છે. એક સંભાવના એવી પણ છે કે ભુવનેશ્વર ટીમમાં હાર્દિક પંડ્યાનું સ્થાન લે જ્યારે કુલદીપ યાદવને બીજા સ્પિનર તરીકે ઉતારવામાં આવે. ભારતે ૧૯૩રમાં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ બાદથી ૮પ વર્ષમાં લઈ પૂર્ણ ટેસ્ટ સીરિઝ જીતી નથી. જો તે આવું કરી શકશે તો તે વખાણવા લાયક હશે. ભારતે પોતાની ધરતી ઉપર પણ ટેસ્ટ સીરિઝમાં વધારે વ્હાઈટવોશ કર્યા નથી.