સુરત, તા.૧૧
ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગર મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રામાણી તથા મહામંત્રીઓ શ્રીમતી માયાબેન બારડ અને શ્રીમતી ઉર્વશીબેન પટેલ એક અખબારી નિવેદનમાં જણાવે છે કે, સ્ત્રી સશક્તિકરણનું કામ મહત્ત્વનું છે. ગુજરાતમાં ડેરી, ઉદ્યોગ, સહકારી ક્ષેત્રે મહિલઓનું મોટું પ્રદાન છે. ગુજરાતમાં જેન્ડર બજેટ દ્વારા મહિલાઓના વિકાસ માટે મોટી રકમની ફાળવણી એ મહત્ત્વનું કદમ છે.
‘બેટી બચાવો બટી પઢાઓ’ તથા ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ સહિત મહિલાઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આઈ.ટી. ક્ષેત્રમાં એક કરોડ ત્રીસ લાખ લોકો આ ક્ષેત્રે કામ કરે છે. જે પૈકી બે લાખ એંસી હજાર મહિલાઓ કામ કરે છે અને પંચાયતોમાં પ૦ ટકા મહિલા અનામત બેઠકોનો ગુજરાત સરકારે અમલ કર્યો છે.
ચૂંટણીના સમયમાં “યુવા ટાઉનહોલ” અને યુવા મહિલા ટાઉન હોલનો નવો વિચાર ગુજરાતમાં લાવ્યા છે. જે અંતર્ગત ગુજરાતની મહિલાઓ સાથે વિદેશ મંત્રી શ્રીમતી સુષમા સ્વરાજ સંવાદ કરશે. રાજકીય શબ્દાવલીમાં નવો શબ્દ “અડીખમ ગુજરાત” અને “મહિલા ટાઉનહોલ” દ્વારા એક લાખ બહેનો સાથે સંવાદ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ટીવી અને ફેસબુક પર લાઈવ કરવામાં આવશે.
આગામી તા.૧૪ ઓક્ટોબરે બપોરે રઃ૦૦ કલાકે અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વિદેશ મંત્રી શ્રીમતી સુષમા સ્વરાજ મહિલાઓ સાથે સંવાદ કરશે.
જેમાં રાજ્યભરની મહિલાઓ જોડાઈને ગુજરાતના ભવિષ્યને લગતા તેમના પ્રશ્નો પૂછશે તેમજ ગુજરાતની આવતીકાલને વધુ ઉજ્જવળ બનાવવા તેમના મંતવ્યો પણ આપશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ મંત્રી શ્રીમતી દર્શિનીબેન કોઠિયા સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.