(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૬
ગુજરાતમાં ભાજપની નવી સરકારની રચના સાથે મંત્રીમંડળ નારાજગી વચ્ચે ફાઈનલ થઈ ગયા બાદ છેલ્લા સપ્તાહથી વિરોધપક્ષ કોંગ્રેસના નેતાની પસંદગીનો મુદ્દો ચર્ચાઓમાં આવ્યો હતો. ત્યારે આજે દિલ્હી હાઈકમાન્ડ તરફથી સત્તાવાર રીતે કોંગ્રેસના નેતા તરીકે આખરે પાટીદાર ધારાસભ્ય પરેશ ધાનાણીની જાહેરાત કરતા આ અંગેની તમામ અટકળોનો આખરે અંત આવ્યો હતો. જો કે ભાજપમાં જે રીતે મંત્રીમંડળની પસંદગી તથા મંત્રીઓને ખાતાઓની ફાળવણી દરમ્યાન અસંતોષ અને નારાજગી બહાર આવી હતી તેવી રીતે જ કોંગ્રેસના નેતાની પસંદગી બાદ હવે તેમાં પણ અસંતોષ-નારાજગીની વિગતો બહાર આવે તેવો ઈશારો આજે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય કુંવરજી બાવળિયાના વાણી-વર્તનથી જોવા મળી રહ્યો હતો.
છેલ્લા સપ્તાહ કરતા વધુ સમયથી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાપદના નામો અંગે વિવિધ પ્રકારના નામો સાથે અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો. આ વખતે કોંગ્રેસમાંથી ધૂરંધર અગ્રણીઓ શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા તથા સિધ્ધાર્થ પટેલ ચૂંટણી હારી જતા કોંગ્રેસમાં નેતાપદ માટે અમરેલીના પાટીદાર ધારાસભ્ય પરેશ ધાનાણી, કોળી આગેવાન કુંવરજી બાવળિયા, મોહનસિંહ રાઠવા, શૈલેષ પરમાર વગેરેના નામો રેસમાં આગળ ચાલતા હતા. તેમાં રાજયમાં પાટીદાર સમાજની હાલમાં ભાજપથી નારાજગીની સ્થિતિમાં પાટીદારને નેતાપદ આપવાની વાત વધુ ચર્ચામાં હતી. ત્યારે કોંગ્રેસના ચૂંટાયેલ ધારાસભ્યોની બેઠકમાં કોંગ્રેસના નિરીક્ષકોએ દરેક સભ્યોને અલગ-અલગ મળીને રજૂઆતો સાંભળતા તેમાં મુખ્યત્વે પરેશ ધાનાણીનું જ નામ ચાલ્યું હોવાની વિગતો બહાર આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીકમાં એટલે કે ગુડબુકમાં નામ હોવાને કારણે પરેશ ધાનાણી લગભગ ફાઈનલ જ મનાતા હતા. તે દરમ્યાન ગત રોજ દિલ્હીથી હાઈકમાન્ડનું તેડુ આવતા પરેશ ધાનાણીની નેતાપદે જાહેરાતની માત્ર ઔપચારિકતા જ બાકી હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું. જેમાં આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે સત્તાવાર રીતે કોંગ્રેસના નેતાપદ માટે પરેશ ધાનાણીના નામની જાહેરાત કરતા તમામ અટકળોનો અંત આવ્યો હતો. રાહુલ ગાંધીના નિવાસસ્થાને આજે અશોક ગેહલોત સાથેની બેઠક બાદ રાહુલ ગાંધીએ મંજૂરીની મ્હોર મારતા તે પછી ગેહલોત દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
પરેશ ધાનાણીની કોંગ્રેસના નેતાપદની વરણીએ કદાચ કોંગ્રેસના સૌથી નવયુવાન નેતા તરીકેની વરણી તરીકે જોવાય છે. અમરેલીમાં પાટીદાર સમાજના યુવા ચહેરા તરીકે ઉપસી આવેલ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા મનાતા પરેશ ધાનાણી હવે વિધાનસભામાં તેમની કેવી ભૂમિકા નીભાવે છે તેના પર સૌની નજર રહેશે.
બીજી તરફ પરેશ ધાનાણીની વરણી અંગે કોળી સમાજના આગેવાન એવા ધાાસભ્ય કુંવરજી બાવળિયા કે જેઓ નેતાપદ માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો તેઓએ પોતાની પ્રતિક્રિયામાં પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય ગણાવી જણાવ્યું હતું કે, હાઈકમાન્ડે જે નિર્ણય લીધો તે યોગ્ય છે અમને તેમાં કશો વાંધો નથી. જો કે વધુમાં જે પ્રતિક્રિયા આપી તે તેમની નારાજગી માટે સૂચક મનાય છે. તેમણે કહ્યું કે, અન્ય સમાજના લોકો નારાજ થશે, સમય સમયનું કામ કરશે. ર૦૧૯માં પાર્ટીને ખબર પડશે એમ જણાવતા તેમણે અંતમાં ઉમેર્યું કે પોતાના સમર્થકોને મળ્યા બાદ હવે અન્ય વધુ વાત કરીશું. દરમ્યાન કોંગ્રેસમાં પણ હવે આગામી સમયમાં ભડકો થાય તેમ જણાઈ રહ્યું છે.