(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૭
રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકોની મુદ્દત એપ્રિલમાં પૂર્વ થઈ રહી હોઈ ખાલી પડનારી આ ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આી છે. આ ચૂંટણી તા.ર૬ માર્ચે યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યાબળની સ્થિતિને લઈ આ ચૂંટણીમાં ભાજપને એક બેઠક ગુમાવવી પડે તેમ જણાય છે. આગામી એપ્રિલમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો ચુની ગોહેલ(ભાજપ), મધુસુદન મિસ્ત્રી(કોંગ્રેસ), લાલસિંહ વાડોદીયા(ભાજપ) અને શંભુ પ્રસાદ ટુંડિયા(ભાજપ)નો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આ ચાર સભ્યોમાં ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના છે. જો એક સાથે આ ૪ બેઠકોની ચૂંટણી થાય તો ભાજપ એક બેઠક ગુમાવી શકે છે અને કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થઈ શકે છે. લોકસભાની ૨૬ બેઠકમાંથી કોંગ્રેસ પાસે એકપણ બેઠક નથી, પરંતુ રાજ્યસભામાં ચાર બેઠક છે. જે વધીને પાંચ થઈ શકે તેમ છે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ ૧૧ બેઠક છે. જેમાંથી ભાજપ પાસે ૭ અને કોંગ્રેસ પાસે ૪ બેઠક છે. હાલ કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી, અહમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવા રાજ્યસભાના સભ્ય છે. કોંગ્રેસમાંથી રાજ્યસભામાં સૌથી વધુવાર જીતવાનો રેકોર્ડ અહમદ પટેલના નામે છે. અહમદ પટેલ કુલ પાંચ વાર રાજ્યસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. ચારેય બેઠકોની ચૂંટણી એક સાથે થાય તો બંને ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ. જેના માટે નિયત ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ. રાજ્યસભામાં ૪ જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા ૫ થાય અને હાલ ૧૭૯ ધારાસભ્યો છે. જેથી તેને ૫ વડે ભાગવાથી ૩૫.૮ થાય જેમાં એક ઉમેરતા ૩૬.૮ જેને પૂર્ણાંક ગણતા ૩૭ મતની જરૂરિયાત રહે. જેથી ત્રણ બેઠક મેળવવા માટે ભાજપને કુલ ૧૧૧ એમએલએના મતની જરૂર પડે. પરંતુ ભાજપ પાસે હાલ ૧૦૩ અને કોંગ્રેસ પાસે ૭૨ ધારાસભ્યો છે. જેથી કોંગ્રેસને બે સીટ જીતવા ૭૪ મતની જરૂર પડશે. આમ કોંગ્રેસને બે મત ખૂટશે, જેની ભરપાઈ અપક્ષ ધારાસભ્ય મેવાણી અને બીટીપીના બે સભ્યોનો સાથ મળતા થઈ શકે છે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા ૮ સભ્યોની ઘટ પડી શકે છે, ત્યારે જોઈએ હવે આ ગણિતમાં ભાજપ ફાવે છે કે પછી કોંગ્રેસ.