(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૮
રાજ્યમાં કોઈને કોઈ વિષયને લઈ આંદોલન-દેખાવો જારી રહેવા પામેલ છે. પોલીસ વિભાગની એલઆરડીની પરીક્ષા બાદ સરકાર દ્વારા જારી કરાયેલ મેરિટ લિસ્ટમાં અન્યાયને લઈ ઉગ્ર વિરોધ સાથે લગભગ છેલ્લા એક માસથી ગાંધીનગરમાં ધરણા ઉપર બેઠેલી મહિલા ઉમેદવારો હવે બરોબરની રોષે ભરાઈ છે. આજે આ મહિલા ઉમેદવારોએ વિધાનસભા તરફ કૂચ કરતા પોલીસે તેઓને અટકાવી હતી. પોલીસે મહિલા ઉમેદવારોને ટીંગાટોળી કરી ધક્કા મારી બળજબરીપૂર્વક પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી લેતા મહિલા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. મહિલાઓએ સરકાર સામે હાય હાયના નારા પણ લગાવ્યા હતા.
એલઆરડી મેરિટ લિસ્ટ મામલે શહેરની સત્યાગ્રહણ છાવણી ખાતે શરૂ થયેલું મહિલા ઉમેદવારોનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. આ મહિલાઓ એક મહિનાથી આંદોલન ચલાવી રહી છે અંતે આજે આ મહિલા ઉમેદવારો વિફરી હતી, પોતાની માગણીને લઈ તેઓએ આજે વિધાનસભા તરફ કૂચ આદરી હતી. પોલીસે આ મહિલા ઉમેદવારોને વિધાનસભા તરફ જતા અટકાવી હતી. જેમાંની કેટલીક મહિલાઓની અટકાયત પણ કરી હતી. આ દરમિયાન આંદોલનકારી મહિલાઓએ ‘ગુજરાત સરકાર હાય હાય’ના નારા લગાવ્યા હતા. જેને પગલે પોલીસે મહિલાઓની ટીંગાટોળી કરી, ધક્કા મારી તેમજ ખેંચીને પોલીસ વાનમાં જબરદસ્તીથી બેસાડી દીધી હતી.આ દરમિયાન એલઆરડી પરીક્ષાર્થી પૂજા સાગઠિયાને કમરના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ ૨૦૧૮માં પોલીસ વિભાગની એલઆરડી સંવર્ગની કુલ ૯,૭૧૩ જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે ૩૦૭૭ જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા ૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ લેવાઈ હતી. આ પરીક્ષાનું મેરિટ ૩૧ ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી ૧૦૦થી વધુ મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર બેઠી છે તેમ છતાં સરકાર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ના કરાતા અંતે આજે તેઓએ વિધાનસભા તરફ કૂચ કરી હતી.