(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોઈ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની કવાયત વધી ગઈ છે. ૧પ૦ + બેઠકોના લક્ષ્યાંક સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવવાનો નિર્ધાર કરી આગળ વધી રહેલી સત્તાધીશ ભારતીય જનતા પાર્ટી માટે પાટીદારોની નારાજગી અકળાવનારી બની રહે તેમ સ્પષ્ટ જણાય છે. ત્યારે ભાજપ દ્વારા હવે ગમે તેમ કરીને પણ પાટીદારોને મનાવી લેવાના ફરી એકવાર પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ભાજપની મજબૂત વડીબેઠક મનાતા પાટીદારો જો વિરૂધ્ધમાં જાય તો ભાજપ માટે ચૂંટણી જીતવાનો મોટો પડકાર ઊભો થઈ શકે તેમ હોઈ, ભાજપ સરકાર દ્વારા પાટીદાર અગ્રણીઓ સાથે સમાધાન કરવા મુદ્દે તા.ર૬મીએ એક બેઠક યોજવામાં આવી છે.
પાટીદાર આંદોલન ચલાવી રહેલ પાસ તથા એસપીજી પોતાની માગણીઓને લઈને મક્કમતાથી આંદોલન ચાલુ રાખેલ છે અને સમયાંતરે વિવિધ વિરોધાત્મક કાર્યક્રમોનું આયોજન કરી લડત જારી રાખવામાં આવી છે ત્યારે બીજી તરફ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોઈ જો આવીને આવી પાટીદારોની નારાજગીની સ્થિતિ યથાવત રહે તો ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન વેઠવું પડે તેમ છે. અગાઉ પાટીદાર આંદોલન બાદ રાજ્યમાં પાલિકા પંચાયતોની યોજાયેલી ચૂંટણીઓમાં પાટીદારોની નારાજગીને પગલે ભાજપને ઘણું બધુ ગુમાવવાનો વારો આવ્યો હતો તેથી તે હજુ ભૂલાઈ શકાયું નથી. તે વાત ધ્યાનમાં રાખીને હવે વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ૧પ૦+ બેઠકોનો લક્ષ્યાંક છે ત્યારે કોઈપણ જાતનું જોખમ લેવું ભાજપને પરવડે તેમ નથી. બીજી તરફ થોડાંક દિવસો અગાઉ રાજ્યમાં થયેલ સર્વેમાં પણ હાલમાં જો ચૂંટણી યોજાય તો તેમાં ભાજપને ઘણી બધી બેઠકો ગુમાવવા સાથે ભારે નુકસાન થવાની શક્યતા વ્યકત કરતાં અહેવાલો બહાર આવતા ભાજપ મોવડીમંડળ સતર્ક બન્યું છે અને ગમે તેમ કરીને પણ પાટીદારોને મનાવી લેવાની સૂચના ગુજરાત સરકાર તથા ભાજપના સંગઠનના અગ્રણીઓને આપવામાં આવી હોવાની વિગતો ઉચ્ચ સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ છે.
ત્યારે ઉચ્ચ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ સરકાર આંદોલનકારીઓને બાજુએ રાખી પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓ (ખોડલ ધામ તથા ઉમિયા ટ્રસ્ટ વગેરે)ના અગ્રણીઓને બોલાવી સમાધાન મુદ્દે બેઠક યોજે અને આંદોલન પડતું મૂકી નારાજ પાટીદારોને મનાવી લેવાના પ્રયાસો કરે તેમ જણાય છે. સમાજની વિવિધ ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ એક થઈ પાટીદાર અનામત આંદોલનકારીઓ પર સમાધાન માટે દબાણ ઊભું કરે તેવી સ્થિતિ સર્જાવાની કવાયત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે તેવી વિગતો ઉચ્ચ સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે હવે આગામી સમયમાં પાટીદાર આંદોલનનું શું થાય છે તેના પર સૌની નજર રહેશે.
સમાજના ૧૦૦થી વધુ અગ્રણીઓને
બોલાવી ચર્ચા કરાશે : ડે.સી.એમ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા પાટીદાર આંદોલન સંદર્ભે યોગ્ય નિરાકરણ લાવવા રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. તે સંદર્ભે રાજ્ય સરકાર આગામી ર૬મી સપ્ટેમ્બર મંગળવારના રોજ ગાંધીનગર ખાતે સમાજના અગ્રણીઓ અને પાટીદાર આંદોલનના કન્વીનરો મળી કુલ ૧૦૦થી વધુ અગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા કરશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ર૬મીએ યોજાનાર આ બેઠક માટે પાટીદાર સમાજની ૬ જેટલી સંસ્થાઓ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, ઉંઝાનું ઉમિયા ટ્રસ્ટ, રાજકોટ ઉમિયા મંદિર, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત, સરદાર ધામ-અમદાવાદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ અને આંદોલનકારી સંસ્થાના હોદ્દેદારોને આમંત્રણ અપાશે. આ બેઠકમાં સમાજ દ્વારા જે માગણીઓના મુદ્દા રજૂ કરાયા હતા તે અંગે ચર્ચા-વિચારણા કરાશે.

ખમીરવંતો પાટીદાર સમાજ સરકારની લોલીપોપથી છેતરાશે નહીં : ડો.મનિષ દોશી
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૧
ચૂંટણી નજીક આવતા સરકારે પાટીદાર સમાજને ચર્ચા કરવા આમંત્રણ આપતા કોંગ્રેસે તેને ચૂંટણી ટાણે લોલીપોપ બતાવવા સમાન ગણાવી છે. કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું છે કે પાટીદાર સમાજ પર આટઆટલાં દમન થયા, પાટીદાર યુવાનો શહીદ થયા, મહિલાઓ પર અત્યાચાર કરાયા તેમ છતાં સરકારના પેટનું પાણી હલ્યુ ન હતું હવે ચૂંટણી નજીક આવતા હાર ભાળી ગયેલો ભાજપ પાટીદારોને રિઝવવા ચર્ચા કરવા તૈયાર થયો છે. એ જ દર્શાવે છે કે સરકાર ડરી ગઈ છે પરંતુ ખમીરવંતો પાટીદાર સમાજ ગાંધી અને સરદારના માર્ગે ચાલનારો સમાજ છે. જે કદી છેતરાવવાનો નથી અને સરકારની લોલીપોપ સ્વીકારશે નહીં.