(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની ઘડીઓ ગણાઈ રહી હોઈ ગુજરાત સરકારે એક પછી એક ઉપરાછાપરી નિર્ણયો-જાહેરાતો કરવાનું જારી રાખ્યું છે. ચૂંટણી માટે લોકોને આકર્ષવા સરકાર છેલ્લા કેટલાક દિવસોથી નવા નિર્ણયો લઈ રહી છે જેમાં આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિવિધ પ્રકારની ઢગલા બંધ જાહેરાતો કરી નાખી છે. દિવાળી પહેલાં લોકોને દિવાળી ગિફ્ટ સમાન કરાયેલી જાહેરાતોમાં રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવા માટે કાયદાકીય સુધારા, સફાઈ કામદારોને અકસ્માતના કિસ્સામાં રહેમ રાહે નોકરી, કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક ટકાનો વધારો, ઔડાના રિંગરોડ પર ટોલ ટેક્સમાં ટુ-વ્હીલર-કાર-જીપને ટેક્સ ભરવામાંથી મુક્તિ, તમામ મ્યુનિસિપાલિટીઓમાં એક સમાન જીડીસીઆરનો આજથી અમલ વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી અંગે આજે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થવાની શક્યતાને પગલે બપોરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ બોલાવી સરકારના એક પછી એક ધડાધડ નિર્ણયોની જાહેરાત કરી નાખી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ સરકાર દ્વારા રાજ્યમાં પાટીદારો સહિતના નારાજ મતદારોને રાજી કરવા આકર્ષવા માટે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ પ્રકારની રાહતો, નવા નિર્ણયોની જાહેરાતો કરવામાં આવી રહી છે.
સફાઈ કર્મીના મૃત્યુના કેસમાં વારસદારને રહેમ રાહે નોકરી
નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં કામ કરતા સફાઈ કર્મચારીઓનું ફરજ દરમિયાન મૃત્યુ કે કાયમી અસમર્થ બને તો તેવા સંજોગોમાં રહેમ રાહે નોકરી અપાશે. વારસદાર નોકરીના બદલે જો રોકડ સહાયની માગણી કરે તો મહાનગરપાલિકા સહાય આપી શકશે. પરંતુ પછી તેના વારસદારને આ હક મુજબ નોકરી મળશે નહીં.
ઊર્જા નિગમ અને સંલગ્ન કાું.ના ફિક્સ-પે કર્મીઓના વેતનમાં વધારો
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સહયોગી કંપનીઓમાં ફરજ બજાવતા વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં પણ નોંધપાત્ર વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જેનો લાભ ૭૦૪૯ કર્મચારીઓને મળશે અને વિદ્યુત કંપનીઓને રૂા.રર.૬૯ કરોડનું વધારાનું ભારણ થશે. જેમાં હેલ્પરથી લઈને જૂની. એન્જિનિયર સુધીની ચાર કેડરોમાં રૂા.રપ૦૦થી પ૦૦૦ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
ઔડા વિસ્તારના ટોલ ટેક્સમાંથી થ્રી અને ફોર વ્હીલર વાહનોને મુક્તિ
નીતિન પટેલે જણાવ્યું છે કે, અમદાવાદના ઔડા વિસ્તારની હદમાં આવતા સરદાર પટેલ રિંગ રોડ પર નાના વાહનો એટલે કે પેસેન્જર રિક્ષા અને ફોર વ્હીલર કાર પર લેવામાં આવતો ટોલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે. આનાથી અંદાજે રૂા.૮ કરોડ જેટલો ટેક્સ હવેથી ઔડા દ્વારા ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકારના કર્મીઓ-પેન્શનરોને એક ટકા મોંઘવારી ભથ્થાનો લાભ
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારી/કર્મચારી અને પેન્શનરોને ૧ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, જેનાથી રાજ્ય સરકારને ર૭૩ કરોડ રૂપિયાનો વધારાનો બોજ ઉપાડવો પડશે. આ ભથ્થું રાજ્યના બધા મળીને કુલ ૮,ર૦,૭૬૪ કર્મીઓ/પેન્શનરોને તા.૧-૭-ર૦૧૭થી રોકડમાં ચૂકવાશે.
ચોથા વર્ગના સરકારી કર્મીઓને દિવાળી બોનસની ભેટ
નીતિન પટેલે જણાવ્યું હતું કે આ દિવાળીના તહેવારોને લઈ વર્ગ-૪ના કર્મચારીઓ માટે બોનસ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેઓને રૂા.૩પ૦૦ની મર્યાદામાં બોનસ મળશે. આ માટે સરકારને રૂા.૧૧.૮૭ કરોડનું વધારાનું ભારણ થશે.
એસ.ટી.ના કર્મીઓને ર૧ માસનું HRAની રકમ આપવા નિર્ણય
નીતિન પટેલે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ના અધિકારી-કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના સેટલમેન્ટ મુજબ એચ.આર.એ.ની ર૧ માસની રકમ ખાસ કિસ્સામાં ચૂકવાશે.
તા.૧-૪-૦૯થી ૩૧-૧ર-૧૦ સુધીના સમયગાળા માટે સુધારેલ એચ.આર.એ.ના તફાવતની રકમ, ખાસ કિસ્સામાં ચૂકવવા સરકારને રૂા.૬૮.૬૯ કરોડની નાણાકીય સહાયની રકમ એસ.ટી. નિગમને ફાળવી આપેલ છે.